આપણી વચ્ચે હવે સંબંધ જેવું કઇ નથી,
લાગણી છે પણ હવે સુગંધ જેવું કઇ નથી.
એક પ્રકરણ છે તમારા નામનું આખું અહીં,
વાંચતા જાણ્યું અમે નિબંધ જેવું કઇ નથી.
કેટલો મજબૂત થઇ ફરતો હતો એ ગામમાં,
છેક અંદર જોયુ તો અકબંધ જેવું કઇ નથી.
એટલો ધાર્યો હતો તેં આંધળો એને પરંતુ,
પ્રેમમાં જઇ જોયુ તો ત્યાં અંધ જેવું કઇ નથી.
આ ગઝલના દ્વાર રાખ્યાં છે સદા ખુલ્લા અમે,
આવશો દોડી તમે તો બંધ જેવું કઇ નથી.
જિગર ઠકકર 'ગઝલનાથ'