#સર્વશક્તિમાન પરમતત્વ
આપણે કંઈ કરતાં નથી , બધું જ આપણા થકી કરાવવામાં આવે છે. આપણે ખરેખર એનાં હાથની કઠપૂતળી જ છીએ એ ઈચ્છે એમ જ નાચવું પડે. ભગવાન છે કે નહીં એ મને નથી ખબર પણ કોઈ એવું પરમતત્વ છે જે તમારા કાર્યો, તમારી ઈચ્છાઓની યાદી પોતાની પાસે રાખીને તે પૂરી કરવામાં મદદ કરે છે. હું સંપૂર્ણપણે એ સર્વશક્તિમાન પરમતત્વને માનું છું. જે ડગલેને પગલે તમને રસ્તો ચિંધાડે છે હવે એ રસ્તા ઉપર ચાલવું કે પછી અલગ રસ્તા ઉપર ચાલવું તે આપણે નક્કી કરવાનું હોય છે.
કોઈને મળવું કે કોઈ વસ્તુ મેળવવી બધું જ તો એનાં હાથમાં છે આપણને તો માત્ર દોરીસંચાર થાય છે. ઘણી વખત એક જ સેકંડના ફરકે કોઈ એક્સીડન્ટ નો ભોગ બનતાં રહી ગયા હો એવું યાદ કરો અથવા રસ્તો બદલી બીજા રસ્તા પર ગયા હો અને અકસ્માત ના ભોગ બન્યા હો એવું યાદ આવે છે. ક્યારેક એમ થાય કે આમ જો ન કર્યું હોત તો આમ થાત પણ ક્યારેય એમ વિચાર્યું છે કે આમ ન કરવાની કોઈ વાત જ મગજમાં ન આવી એટલે જ તો આમ કર્યું અને આપણા મન અને મગજને રસ્તો દેખાડનાર પણ એ પરમતત્વ જ તો છે.
કોઈ ખાસ અનુભવ થાય ત્યારે જ તે પરમાત્મા જેને હિન્દુ ભગવાન, મુસલમાન ખુદા અને ખ્રિસ્તી ઈસુના નામે ઓળખે છે. તેના ઉપર વિશ્વાસ બેસે. "જૂજવે રૂપે અનંત ભાસે" જેવું જ તો છે. નામ અલગ "ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા" બાકી કુદરત કહો કે નસીબ બધું જ તો તે છે. તમે શું કરો છો તે તમારા હાથમાં છે જ નહી અને એ એટલી જ હકીકત છે.
જે કંઈ થાય છે એની પાછળ કોઈ ને કોઈ એ સર્વશક્તિમાન પરમતત્વ નો આશય હોય જ છે તે ભૂલવું જોઈએ નહીં. અંધારું કરે છે ત્યારે જ તો પ્રકાશ આપણને દશ્યમાન થાય છે.
ક્યારેક કોઈ તકલીફ આવી પડે છે ત્યારે પણ એ વિચારવું જોઈએ કે કદાચ એ તકલીફ પાછળ પણ કોઈ સારો આશય જ છુપાયો હશે. એક ઉદાહરણ સાથે કહું તો હમણાં "છપાક" પિકચર બહુ ચર્ચામાં છે તે જેના ઉપરથી બન્યું છે તે એસિડ એટેક વિકટમ લક્ષ્મી અગ્રવાલ પર જે થયું તે ખરેખર નિંદનીય છે પણ જો તે ન બન્યું હોત તો ખરેખર એ લક્ષ્મી અત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવતી હોત અને કોઈ એને ઓળખત પણ નહીં. આવું જ તમે દરેક બનતી ઘટના પર વિચારજો તમને ચોક્કસ એ પરમતત્વની હાજરી દેખાશે જ.. (#MMO )
બાકી કેટલીય વ્યક્તિઓ કે જેને કેટલીય તકલીફ થઈ હશે પણ પરમતત્વનો અનુભવ ઓળખવામાં કદાચ એ સક્ષમ નહીં થઈ શક્યા હોય. નરસિંહ મહેતાનું એક ભજન "જે ગમે જગત ગુરુ દેવ જગદીશને" જો સમજી લઈએ તો જીવનમાં જે તણાવ ઉભા થાય છે તે ન થાય અને દરેક તકલીફમાં પણ કંઇક સારું દેખાવા લાગે. "સમય થી પહેલાં અને ભાગ્ય થી વધુ" ક્યારેય કોઈને કંઈ મળ્યું જ નથી. નરસિંહ મેહતા ના આ પદ થી જ હું મારી આ વાત ને અહીં વિરામ આપીશ.
ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.
તમને એવો કોઈ અનુભવ થયો હોય તો અહીં શેર કરશો તો મને ગમશે...
{#માતંગી }