જીવનનો સૌથી સુંદર રંગ એટલે પ્રેમ!
પ્રેમ, પ્યાર, ઈશ્ક, મોહબ્બત કોઈ પણ નામ આપી દો એ કોઈ એક રંગ નથી પણ કેટલાય રંગ સાથે મળીને રચાયેલું ઇન્દ્રધનુષ છે, એક એવું ઇન્દ્રધનુષ જેમાં સાત નહિ કેટલાય રંગ છે..! તમને ગમતા હોય એવા રંગોનું સંયોજન!
મારા મનમાં પણ એક ઇન્દ્રધનુષ રચાયેલું છે, વરસોથી જેનો રંગ જાંબુડીયા ઘાટા વાદળી જેવો છે! એ જાંબુડિયા- વાદળી રંગનું વાદળ મેં મારી જાતે તો નહોતું જ રચ્યું... એમણે સ્વયં આવીને મને એ રંગમાં રંગી હતી, એ સપનું હતું કે હકીકત મને ખયાલ જ નથી આવતો...મારા શરીર પર કોઈ રંગ નહોતો અને તોય હું આખી રંગાઈ ગઈ હતી, ભીતરથી, એ વાદળને મેં મારામાં છુપાવી લીધું હતું, કોઈ જોઈ ના જાય એમ મારામાં સમાવી લીધું હતું... એ જાંબલી-વાદળી વાદળ જેવી એક છવી અને એક મોરપંખ બસ એટલી જ મારી મોંઘેરી મિલકત, આ જીવનની સૌથી મોંઘી કમાણી...
શ્રી કૃષ્ણને એમના પ્રિયજન સાથે રમત કરવાની બહુ ખરાબ આદત છે...પહેલા આપે, એની આદત પડાવે અને તમે એનાથી ટેવાઈ જાઓ એટલે કંઇક એવું કરે કે તમે સામેથી એનો ત્યાગ કરો! મારી પાસે હાલ નથી એ મારું જાંબલી-વાદળી વાદળ કે મારું મોરપંખ...ક્યાં ગયું? નજરની સામે જ છે છતાં સાવ અલગ છે, એ હવે મારા અધિકારક્ષેત્રની બહાર છે અને તોય મનમાં કોઈ સંતાપ નથી. મારા પ્રેમનો હવે કોઈ જ રંગ નથી...આખું ઇન્દ્રધનુષ ક્યાંક ખોવાઈ ગયું અને મજાની વાત એ છે કે હું ખુશ છું!
એક દિવસ હું પણ ગાંડા માણસોની જમાતમાં ભળી જવાની, નજરની સામે જ શ્રીકૃષ્ણ દેખાતા હશે, હું એમની સાથે વાતો કરતી હોઈશ અને એમ જ એમની વાતો સાંભળતા સાંભળતા મારો અંત આવશે...લોક કહેશે નિયતી પાગલ થઇ ગયેલી...પણ એક સાચી વાત કહું, ડાહી તો હું આજેય નથી 😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏