કપાયેલી પતંગોને પકડવાની મજા આવે,
અચાનક એજ રીતે તમને મળવાની મજા આવે !
તમે જો હોવ સાથે તો કશા કારણ વગર પણ બસ,
કોઈ વેરાન સડકો પર રખડવાની મજા આવે.
તમે ના હો, પડે વરસાદ, એ વરસાદ થોડો છે !
તમે ના હો તો અમને શું પલળવાની મજા આવે ?
તમારે જિંદગાનીમાં જો આગળ ખૂબ વધવું હો,
તો કરવાં એજ કામોને, જે કરવાની મજા આવે.
'નિનાદ' બસ સાવ છેલ્લાં શ્વાસ હો ને એ જો સામે હો,
તો એને જોઈ-જોઇને શું મરવાની મજા આવે !
- નિનાદ અધ્યારુ