શોધી શકે? – દિવ્યાંગ સુથાર
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?
કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?
ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે