( Happy Thirsty First )
ચાલો, ઉઠાવો જામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે
લઇને એ ગમતું નામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે
અણગમતું પી જજો અને
ગમતાંને માણજો
સ્વીકારજો તમામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
પીનારે જાણવો રહ્યો
લવડ્રોપનો મહિમા
બિંદુ છે સિંધુધામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
ખાલી કરી દ્યો ગ્લાસને
તળિયા સુધી તમે
ફરી આવશે એ કામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
બે ગ્લાસ , બોટલ , મિત્ર બે
મચીંગ જરા તરા
ખોટી છે તામઝામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
આ જીંદગીનો જામ
કયાં સોંઘો મળે છે, યાર ?
શ્વાસોના ચૂકવ્યા દામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
આવ્યા ગયાં ગણિત છે
ને જીંદગી ગઝલ
વેડફાય સમય આમ ?
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
આ સૂઝનો સવાલ છે,
સંયમનું બ્હાનું છોડ
પીવાની રાખ હામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે
પરવા કરે જે લોકની,
તરસ્યા મરે છે એ
જોયા કરે છો ગામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
એનો સમય થશે ને ત્યારે
આવશે એ રાત
આ તો છે હસીં શામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
જીવું ને પીવું માપમાં ,
એવી શરત તે હોય ?
બંનેનો છે દમામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે
ઘાયલ અને મરીઝ બંને
કહી ગયા છે એ
ભૂલી જા તું બેફામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.
તુષાર શુક્લ 😋