"હેપ્પી ન્યુ ઈયર"
HAPPY new year.......
છેલ્લા વીસ પચ્ચીસ વરસથી એકત્રીસમી ડીસેમ્બરની પાર્ટીઓ ઉજવવાની જબરી ફેશન ચાલી છે,મોટા શહેરોમાંથી શરુ થયેલું આ દૂષણ હવે નાના નગરો અને ગામડાઓ સુધી પહોંચી ગયું છે.
હું સંસ્કૃતિની ગુલબાંગો નહી પોકારું પરંતું આવી ઉજવણીઓમાં કંઈક તો ખટકે જ છે.
બેસતા વરસના દિવસે મા-બાપને પગે લાગવામાં શરમ અનુભવતી આજની યુવા પેઢી એકત્રીસમી ડીસેમ્બરની અડધી રાતે દારુના નશામાં ટૂંકા વસ્રો પહેરીને રસ્તાઓ ઉપર લથડીયા ખાવામાં શરમ નથી અનુભવતી.
ખેર,સંક્રાન્તિ કાળ છે,અલગ અલગ સંસ્કૃતિઓ મિશ્રિત થઈ રહી છે,આપણે ઢળતા સૂરજ ભણી દોટ મૂકી છે.
પબ અને પિત્ઝામાં આપણે ખોવાઈ ગયા છીએ. બર્ગર અને નૂડલ્સ આવતાં રોટલી-શાક અને સેવૈયાંમાં પહેલાં જેવો સ્વાદ જ નથી રહ્યો.કોક અને પેપ્સી પી પી ને ગાયનું દૂધ અને નાળીયેર પાણી સાવ કડવું લાગે છે.
શીરો હવે પહેલાં જેવો ગળ્યો નથી થતો અને સુખડી મનને સુખ નથી આપતી.
યૌવનને અધિકાર છે ઉજવણી કરવાનો પણ એના માટે આપણી પાસે ઘણું બધું છે જ.
શા માટે સાઈડ ઈફેક્ટ વધારે હોય એવી સિસ્ટમને અનુસરવી જોઈએ. હોળી-ધૂળેટી જેવો યૌવન સભર તહેવાર હોય પછી વેલેન્ટાઈન ડેની આપણને શું જરુર છે.મા-બાપને માન આપવા માટે આપણે મધર્સ ડે કે ફાધર્સ ડે ઉજવવા પડે? એટલા નીચા ઉતરી ગયા આપણે.સ્રીઓનું સન્માન કરવાવાળા દેશમાં વુમન્સ ડેના દિવસે ભ્રૂણ હત્યા બંધ કરો,બેટી બચાવો,સ્રી અત્યાચાર અને બળાત્કાર બંધ કરો એવાં સ્લોગન લઈને પ્રદર્શન કરવાં પડે એટલી હીનતા!
કોઈ વિદ્વાને સાચું જ કહયું છે,
*"કોઈ પણ પ્રજાને ગુલામ બનાવવી હોય તો એની સંસ્કૃતિ અને શિક્ષણ પદ્ધતિ પર આક્રમણ કરો,યુદ્ધમાં હારેલી પ્રજા બેઠી થઈ જશે પણ સંસ્કાર હારેલી પ્રજા કયારેય સ્વતંત્ર નહી થઈ શકે."*
ખેર,આપણા તહેવારોમાં પણ હવે વિદેશી છાંટ વર્તાવા લાગી છે,શુદ્ધ કેસૂડાના કલરને બદલે ચાઈનીઝ પાકા રંગો શરીર પર ખુજલી જ પેદા કરે ને!અને હવે તો નવી નવી હોળીઓ ચાલુ થઈ છે....જેમ કે ડ્રાય હોળી, તિલક હોળી વગેરે વગેરે.પાણી બચાવવાના હજારો રસ્તા છે,હવે કદાચ હોળી બચાવવાના રસ્તા પણ શોધવા પડશે આપણે.દિવાળીના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અને હેપી ન્યુ ઈયરની ચકાચૌંધ કરતી આતશબાજી આખા વિશ્વમાં ધામધૂમથી થાય.
વાતાવરણ પ્રદૂષિત થઈ રહયું છે કે આપણી સમજણ એ જ સમજાતું નથી.