કાલે અચાનક જ ખબર નહિ પણ કેમ તારી યાદ આવી ગઈ,
વરસ ના પ્રથમ દિવસે પ્રથમ વાર મળ્યા ને આજે ૧૦ વર્ષ પુરા થયા,
આજે પણ એ પ્રથમ દિવસ ના તારા સવાલો ની યાદ આવી ગઈ.
તારા એ દિવસે પૂછેલા સવાલોએ ઘણા સવાલો ઉભા કર્યા હતા,
પણ એ સવાલો ને લીધે મળેલી પ્રેરણા યાદ આવી ગઈ,
મકરસંક્રાંતિ ના દિવસે બે પરિવારોનું મિલન થયું,
બસ એ પરિવારો ના સ્નેહ ની વાત યાદ આવી ગઈ.
આપણા વેવિશાળ ઘણા જલ્દી નક્કી થયા, આપણે બંને નવા હતા,
એ દિવસ ની તારી અને મારી સરળતા યાદ આવી ગઈ,
જન્મો જનમ સાથ નિભાવવાની કસમ મેં મનોમન લીધી હતી,
આજે એ કસમ બસ યાદ આવી ગઈ.
ખુબ જ સરળ છતાં એટલી જ સમર્પિત હતી તું,
તારી એ સમર્પણ ની ભાવના યાદ આવી ગઈ.
હંમેશા ખભા સાથે ખભો મેળવીને તું મારી સાથે ચાલતી જ રહી,
તારા એ મારા પાર મુકેલા અંધવિશ્વાસ ની ઝલક યાદ આવી ગઈ.
વેવિશાળ માં વિતાવેલ સોનેરી સમય આપણે ખુબ માણ્યો,
તારા સાથે વિતાવેલી એ અદભુત પળો યાદ આવી ગઈ.
માતા પિતા ને છોડીને તું મારા ઘરે મારો સાથ નિભાવવા આવી,
પણ એ વિદાય ની વેળા એ હું પણ રડ્યો હતો એ વાત યાદ આવી ગઈ.
હસતા મોઢે ઘણા બધા નવા ચેહરાઓ જોડે તે સગપણ બાંધ્યું,
પણ માં બાપ ને સમીપ ઝંખતી તારી આંખો યાદ આવી ગઈ.
આપણા પ્રેમ ની પેહલી નિશાની તારા ઉદર માં હતી,
માં-બાપ બનવાની પેહલી ખુશી બસ યાદ આવી ગઈ.
એ તારો ને મારો પ્રથમ અંશ એકદમ જ, અચાનક જ ક્યાંક ગાયબ થઇ ગયો,
ભગવાને આપેલી એ કાળી રાત યાદ આવી ગઈ.
માનસિક અને શારીરિક પીડાઓ છતાં પણ તું હારી નહિ,
તે મને એ સમયે આપેલી હિમ્મત યાદ આવી ગઈ.
હજુએ એ ગોઝારા પળો યાદ આવે તો તો આંખ માં શ્રાવણ નો વરસાદ આવે છે,
આપણે સારેલા એ આંસુઓ ની ખારાશ યાદ આવી ગઈ.
સમય ગયો ને આપણે આગળ વધ્યા,
હૃદય પર પડેલો ઘા રુઝાવાની એ હાશ યાદ આવી ગઈ.
તે મને પિતા બનાવીને ફ્રેયા નામની ભેટ આપી,
મારા હાથો માં આવેલી એ નાનકડી પણ સુંદર એ ભેટ યાદ આવી ગઈ.
લડ્યા,ઝગડ્યા,હસ્યા, રડયા, છતાં પણ સાથે રહ્યા,
૧૦ વર્ષના એ સહવાસ ની મીઠાશ યાદ આવી ગઈ.
હજુ ઘણા દાયકા તારી સાથે જ વિતાવવાના છે,
મન માં દટાયેલી એ વાત બહાર આવી ગઈ,
સુખ દુઃખ માં હજુ એ આવી જ રીતે મારો સાથ તું નિભાવતી રહેજે,
તને આ વાત કહેવી હતી એ યાદ આવી ગઈ.
કાલે અચાનક જ ખબર નહિ પણ કેમ તારી યાદ આવી ગઈ.
Dedicated to My Lovely Wife.....