જાણતા-અજાણતા આપણાંથી દરરોજ થઈ જાય છે ભૂલો, આ ભૂલોના અશુભ ફળથી બચવા માટે ગ્રંથોમાં જણાવેલા છે 5 યજ્ઞ
જાણતાં-અજાણતાં દરેક વ્યક્તિથી કોઈ ન કોઈ ભૂલો થઈ જ જાય છે. ધર્મ ગ્રંથોમાં કેટલીક ભૂલોને પાપ માનવામાં આવે છે, જેમ કે આપણાં પગ નીચે અનેક જીવ મરી જાય છે, એ પણ પાપ છે. ધર્મ ગ્રંથોમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે ક્યા-ક્યા 5 કામ કરવાથી આ પાપોના અશુભ ફળથી મુક્તિ મેળવી શકાય છે. આ પાંચ કામ આ મુજબ છે -
શ્લોકઃ-
अध्यापनं ब्रह्मयज्ञः पितृयज्ञस्तु तर्पणम्।
होमो दैवो बलिर्भौतोनृयज्ञोतिथिपूजनम्।।
અર્થાત્- વેદોનું અધ્યયન કરવું અને કરાવવું, બ્રહ્મયજ્ઞ, પોતાના પિતૃઓ(સ્વર્ગીય પૂર્વજો)નું શ્રાદ્ધ-તર્પણ કરવું પિતૃયજ્ઞ, હવન કરવું દેવ યજ્ઞ, બલિવૈશ્વદેવ કરવું ભૂતયજ્ઞ અને અતિથિઓનો સત્કાર કરવો તથા તેમને ભોજન કરાવવું નૃયજ્ઞ અર્થાત્ મનુષ્ય યજ્ઞ કહેવાય છે.
બ્રહ્મયજ્ઞ
દરરોજ વેદોનો અભ્યાસ કરવાથી બ્રહ્મયજ્ઞ થાય છે. વેદોના સિવાય પુરાણો, ઉપનિષદો, મહાભારત, ગીતા અથવા આધ્યાત્મ વિદ્યાઓના પાઠથી પણ આ યજ્ઞ પૂરું થઈ જાય છે. આ ન થાય તો માત્ર ગાયત્રી સાધના પણ બ્રહ્મયજ્ઞ સંપૂર્ણ કરી દે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ યજ્ઞથી ઋષિ ઋણથી મુક્તિ મળે છે. એટલે આ ઋષિયજ્ઞ અથવા સ્વાધ્યાય યજ્ઞ પણ કહેવામાં આવે છે.
દેવયજ્ઞ
દેવી-દેવતાઓની પ્રસન્નતા માટે હવન કરવો દેવયજ્ઞ કહેવાય છે.
ભૂતયજ્ઞ
પતંગિયા, પશુ-પક્ષી, કૃમિ અથવા ધાતા-વિધાતા સ્વરૂપ ભૂતાદિ દેવતાઓ માટે અન્ન અથવા ભોજન અર્પિત કરવું ભૂતયજ્ઞ કહેવાય છે.
પિતૃયજ્ઞ
મૃત પિતૃઓની સંતુષ્ટિ તથા તૃપ્તિ માટે અન્ન-જળ સમર્પિત કરવા પિતૃયજ્ઞ કહેવાય છે. તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાસ, શ્રાદ્ધપક્ષ વગેરે તેના માટે વિશેષ દિવસ છે.
મનુષ્ય યજ્ઞ
ઘરના બારણે આવેલા અતિથિને અન્ન, વસ્ત્ર, ધનથી તૃપ્ત કરવા અથવા દિવ્ય પુરુષો માટે અન્ન દાન વગેરે મનુષ્ય યજ્ઞ કહેવાય છે.