કેટલીયે ભરતી ને આ ઓટ નામે હું ગઝલ છું,
રોજ ઉગું આથમું એ ભાનુ જેવી હું સફર છું.
મારે તો બદલાવ મારામાં હવે તો જોઈએ છે,
તે છતાં ત્યાં નો ત્યાં ,ને ભીતર રહેલી હું કસર છું.
ચાહના જેની છે મારી ,તે છતાં પાથેયથી દૂર,
આજે પણ હું તો અધૂરી જિંદગી નામે મજલ છું.
છાંવ સાથે ધૂપ પણ જીવનમાં સતત ચાલ્યા કરે છે,
સાંજ છું ક્યારેક તો ક્યારેક જીવનની સહર છું.
મારો ભીતરપથ ,અલગ બે પથ તરફ જોવા મળે છે,
એકમાં હું મારો વિરોધી જ્યાં બીજે મારી તરફ છું.
કામ સારા હું કરું ને આ શાબાશી માટે છે ચાહ!
ચાહ આવી આજે છોડી ને હું નિત મારી કદર છું.
તું મને છોડીને, તું ક્યાં જઈ રહી છે જિંદગી બોલ,
રાત લાગું પણ સદાથી હું અલગ નૂતન અહર છું.
દૂરતાથી ખ્યાલ પણ ના આવે કેવો માનવી છું,
પાસ આવી બેસો હું તો જાણવા જેવી ખબર છું.
ચાર દી ની જિંદગીમાં માળો ક્યાંથી હું બનાવું ?
હું અમર આનંદ ને ક્યારે સળગતી હું કબર છું.
એટલી સમજણ મેં આજે મેળવી લીધી છે જીવન,
આજે શ્વાસો ને હું કાલે તો નક્કીથી આ મરણ છું.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ