દીકરી પરણાવીને ક્યાં બાપનો મોભો ગયો,
એમ લાગ્યું બાપને રમઝાનનો રોજો ગયો.
લાગણીની થાપણો વપરાઈ ગઈ વર્ષો જુની,
દીકરીના લગ્નનો અવસર ઘણો મોંઘો ગયો.
ક્યાં ગરીબો કે અમીરોની કથામાં ભેદ છે,
બેઉ કહેશે આંગણે અવસર ઘણો મોટો ગયો.
આખું ઉપવન સાવ સૂનું થૈ ગયું છે રાતમાં,
બાગમાંથી જ્યાં અચાનક એક ગલગોટો ગયો.
દીકરીનો ભાર તો ફૂલોથી હળવો હોય છે,
કોણ કહે છે છાતી પરથી બાપની બોજો ગયો.
આંસુ આંખોમાં હૃદયમાં રંજ મુખ પર છે ખુશી,
આજ મન પરથી ખુશીનો એક સમજોતો ગયો.
બાળપણની યાદ સાગર એમ ચાલી નીકળી,
પાણીમાંથી જે રીતે એકાદ પરપોટો ગયો.
ધબકમાં પ્રકાશિત ગઝલ,
રાકેશ સગર, સાગર, વડોદરા
Rakesh Sagar