ગઝલ / સનમ
દિવસ છે , ન તારા બતાવો સનમ,
આ ઓળખ તમારી ન આપો સનમ,
સફરનું ઈંધણ ક્યાંક ખૂટી પડે,
અમારી ગઝલ સાથ રાખો સનમ.
મુલાયમ તબિયતની સડકો થઈ,
તમે ચાલશો તો ઘવાશો સનમ.
વિષય, પાત્ર, ઘટના અને છંદ લય,
તમારા જ ઘર છે પધારો સનમ.
ખુલીને પ્રણય કરતા,મળતા હતા,
ગયા ક્યાં જમાના વિચારો સનમ.
મને ચીતરે છે , ફકત મિત્રતા,
તમે જેમ ચાહો ઉછાળો સનમ.
ઘરે ખાલીપાની વસે છે નીશા,
નવી રોશની લઈને આવો સનમ.
ગઝલમાં બનાવી છે મેં નાયિકા,
નિમંત્રણ સદાનું સ્વિકારો સનમ.
સિદ્દીકભરૂચી.