ડો. એ.પી.જે. અબ્દુલ કલામને આજના દિને વંદન અને તેની એક નાની ઘટના
એક સામાન્ય વ્યક્તિને પૂછવામાં આવે કે તમારી ઉંમર કેટલી છે અને તેનો જવાબ જે તે આંકડામાં હોય. ગુજરાતના મહાન વ્યંગકાર અને વિદ્વાન શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને કોઈએ પૂછ્યું કે એક માણસ મગજ વગર કેટલું જીવી શકે અને શાહબુદ્દીનભાઈએ વ્યંગાત્મક જવાબ આપેલો કે મને તમારી ઉંમર ની ખબર કેમ પડે?
ખેર, એક મહાન વ્યક્તિ, આર્ષ દ્રષ્ટા અને આખું વિશ્વ જેના જન્મદિનની ઉજવણી “World Student Day” તરીકે કરે તેવા ડો. એ.પી.જે. અબ્દુલ કલામને Wharton School of the University of Pennsylvaniaમાં 2008ની સાલમાં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પૂછવામાં આવ્યું, “સર, તમારો જન્મ વર્ષ 1931માં રામેશ્વર મુકામે થયેલો ત્યારના ભારતમાં અને અત્યારના ભારતમાં તમને શું ફેર લાગે છે?” સામાન્ય માનવ હોય તો જવાબ આપે કે મેં જીવનના 76 વર્ષ ભારતમાં ગાળ્યા. કોઈક મારા જેવા ગુજરાતીને પૂછે તો કહે 76 દિવાળી જોઈ પણ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે જવાબ આપ્યો, તેમાં તેમણે ભારત કે માત્ર પૃથ્વી જ નહીં પણ સમગ્ર સૌરમંડળને આવરી લીધું. પહેલા તેનો જવાબ અક્ષરશઃ તેના શબ્દોમાં અને પછી ગુજરાતીમાં માણો. “I have orbited around the sun seventy six times” એટલે કે “મેં અત્યાર સુધીમાં સૂર્યની 76 વખત પ્રદક્ષિણા કરી છે.” એક સામાન્ય વ્યક્તિ અને એક વિશ્વગુરુના જવાબનો તફાવત અહીં સ્પષ્ટ થઈ જાય છે. ડો. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિને આજ નોંધવાની ઈચ્છા થાય કે તે E=mc2 મુજબ હવે નશ્વર દેહમાંથી રૂપાંતરિત થઈ ઊર્જાના પ્રવાહ સ્વરૂપે નવભારતના નિર્માણમાં પ્રકાશ પૂરો પાડે છે. આ તેજપુંજને આજના દિને કોટિ કોટિ વંદન.