લાગણી ભીતર ભરીને જો જરા,
કોઈ માટે વાપરીને જો જરા.
કોણ છે સાચો ને ખોટો કોણ છે,
વાત ખુદ સાથે કરીને જો જરા.
બોલે એનાં બોર વેચાતાં ભલે,
મૌન કેવળ આચરીને જો જરા.
ભાવિ મારું ફક્ત મારા હાથમાં,
ધ્યાન બસ એવું ધરીને જો જરા.
જીવવી છે જિંદગી 'ધબકાર' તો,
કોઈ ઇચ્છામાં મરીને જો જરા.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)