અમીરજાદાઓ...!
કંઇક ખૂટે છે,,,,
આ દુનિયાની શ્રીમંતોની યાદીમાં..??!!
વિશ્વના ધનાઢ્યની યાદી જરા-તરા ટૂંકી છે. આ યાદી લંબાવી શકાય તેમ છે.
ચાલો, આજે મળીએ એવા ફરિસ્તા સમ શ્રીમંત લોકોને કે જેનાથી આ ભાગમભાગ કરતી દુનિયા અજાણ છે, અલિપ્ત છે...
આજે તેની સાથે રૂબરૂ થઈએ..!
આવા અમીરો ખિસ્સામાં એકપણ ફદિયું નથી, છતાં એ મગરૂરી મુસ્કાન રાખે છે.
આવા અમીરો જયારે મિત્રો સાથે હાથાજોડી કરીને ચાલતાં હોય છે, ત્યારે વિશ્વના પ્રથમ ક્રમિત ધનાધિપતિ જણાય છે.
આવા અમીરજાદાઓ પાસે બેંક બેલેન્સમાં આર્યભટ્ટનો આવિષ્કાર શૂન્ય જ શૂન્ય છે છતાં અલ્લડ મુસ્તાકીનો સ્વામી છે.
આવા મસ્તાનાઓ અક્સર દિલડાં પાસેથી કામ લે છે, દિમાગની દખલગીરી પસંદ નથી.
આવા અમીરજાદાઓનું એકાંત બિહામણું નથી. કલાકો સુધી તે પોતાની સાથે રહીને રમી શકે છે. આવા બેફીક્રાઓનું એકાંત સોહામણું છે. પ્યારું છે.
આવા અમીરો પોતાના ખિસ્સામાં ખણખણતા પાંચીકાઓ અવાજથી મુગ્ધ છે.
આવા અમીરો પાસે મુક્ત ગગનમાં વિહરી શકે તેવી કલ્પનાઓ છે..
આવા મુસ્તાકો ખડખડાટ હસવાના મહારથીઓ પણ છે.
આવા અમીર લોકોના સ્મિતને આપણે ઈશ્વરનો ઓટોગ્રાફ ગણાવી શકીએ..
પહેલાં વરસાદની બૂંદ તેને સ્પર્શે અને તેની વિસ્મિત આંખો સામે કુબેરભંડાર ઓછો પડે..
આવા ધનાધ્યક્ષોને આ ધરતી પર આવ્યાં તેને દસ વર્ષ પણ નથી થયાં..
આવા અમીરજાદાઓ એટલે બાળકો...!
આવા અમીરજાદાઓ એટલે બાળકો...!
લેખન: નરેન્દ્ર જોષી. (૧૭/૦૯/૨૦૧૯)