શ્રીજી ની સવારી
વહેલી સવારથી ધમાલ હતી. સખત ઘોંઘાટ હતો. થોડા થોડા સમય ના વિરામ બાદ ફરીથી ઘોંઘાટ મચી જતો. બપોર તો માંડ માંડ થઈ. પણ પછી તેનાથી જાત પર કંટ્રોલ ન થયો અને મમ્મી ની મનાઈ છતાં જરાક ડોકાચિયું કરીને જોયું.
તેના રૂંવે રૂંવે આનંદ વ્યાપી ગયો. આ તો ગણપતિ…. તેના આરાધ્ય દેવ… તે જોઈ જ રહ્યો. કેટલા ભવ્ય! કેટલા દિવ્ય! તે મનોમન વિચારી રહ્યો, “મમ્મી એ કેમ ના પાડી હશે બહાર નીકળવા માટે? ” તેને મમ્મી ના શબ્દો યાદ આવ્યા, “ આજે અનંત ચઉદશ… આજેતો ગણપતિ વિસર્જન…”
એ બિચારાને વિસર્જન મા તો કંઈ ખબર ન પડી, પણ ડીજે સાથે ઝૂમતી માનવમેદની જોઈ એ પણ રંગ મા આવી ગયો. તેણે દોટ મૂકી… પોતાના આરાધ્ય દેવ પાસે જવા.
પણ આ શું? અડધે રસ્તે જ તેના પર વ્હીલ ફરી ગયું! શ્રીજી ની જીવતી સવારી ભારે ભરખમ ટ્રક ની સવારી નીચે ચગદાઈ ગઈ. મૂષકમાતા દરમાંથી જરાક મોઢું બહાર કાઢી પોતાના વ્હાલસોયાને આંસુભરી આંખે જોઈ રહી.
….એ સમયે પોતાની જ મસ્તી મા મસ્ત કોઈને શ્રીજી ની આંખ ના આંસુ ન દેખાયા!!!
અમિષા શાહ _અમી