ગણેશ ચતુર્થી વિશેષ
ગણેશ અનાદિ છે, તેમને વિશ્વભરમાં 5000 વર્ષ પહેલાથી પૂજવામાં આવે છે
ગણેશ અનાદિ છે. તેમની પૂજાના પુરાવા આજથી 5 હજાર વર્ષ પહેલાંથી મળવા લાગ્યા હતા. તે અલગ અલગ સ્વરૂપમાં વિભિન્ન સંસ્કૃતિઓમાં છે. જાપાનમાં તેમને કાંગીતેન કહે છે. ચીન, અફઘાનિસ્તાન, ઈરાન અને મેક્સિકોની માયા સંસ્કૃતિમાં પણ તેમની મૂર્તિઓ મળી હતી.
ઈરાનના લોરિસ્તાન પ્રાંતમાં 3200 વર્ષ જૂની મેટલ પ્લેટ પર ગણેશજીની પ્રતિમા મળી છે
સિમ્બોલિઝમના નિષ્ણાત લાયર્ડ સ્ક્રેન્ટનનું પુસ્તક પોઇન્ટ ઓફ ઓરિજન: ગોઓબલકી ટિપે એન્ડ સ્પિરિચ્યુઅલ મેટ્રિક્સ ફોર વર્લ્ડ કોસ્મોલોજી મુજબ ઈ.સ. પૂર્વે 3000માં ગણેશપૂજાનો ઉલ્લેખ છે. સિંધુ ખીણ, હડપ્પા સભ્યતામાં પણ ગણેશની પ્રતિમા મળી હતી. ઈરાનના લોરિસ્તાનમાં 1200 વર્ષ ઈ.સ.પૂર્વેની ગણેશની પ્રતિમા મળી છે.
અફઘાનિસ્તાનના રાજા ખિંગાલે 5મી સદીમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી
રોબર્ટ બ્રાઉનના પુસ્તક ગણેશ: સ્ટડીઝ ઓફ એન એશિયન ગોડ મુજબ અફઘાનના ઉત્તર કાબુલમાં ગણેશની એક પ્રતિમા ચોથી સદીની મળી છે. જ્યારે પખ્તિયાના ગાર્દેજ શહેરમાં એક પ્રતિમા 5મી સદીમાં મળી હતી. સંગેમરમરની આ મૂર્તિ પર નોંધ્યું છે કે આ મનમોહક પ્રતિમા મહાવિનાયકની છે જેને શાહી રાજા ખિંગાલે સ્થાપી હતી.
ચીનની મોગાઓ ગુફામાં 1400, જાપાનમાં 1200 વર્ષ જૂનું ગણેશનું પેઇન્ટિંગ મળ્યું છે
ચીનની મોગાઓ ગુફામાં પણ ગણેશનું છઠ્ઠી સદીનું પેઈન્ટિંગ મળ્યું છે. આ બૌદ્ધ ગુફા છે. તેમાં બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત હજારો ચિત્રો છે. આ ગુફાના 25 કિમીના દાયરામાં 492 મંદિર છે. મનાય છે કે, બૌદ્ધ ધર્મે અહીં ગણેશ પૂજા શરૂ કરી. આ જ કારણ છે કે જાપાનમાં 1200 વર્ષ જૂની ગણેશ પ્રતિમા અને ચિત્રો મળ્યાં છે.
મૂષક ઉપરાંત સિંહ, મોર, શેષનાગ સહિત ચાર વાહન બતાવાયાં
ગણેશ પુરાણમાં ગણેશના આઠ અવતાર જણાવાયા છે. આ અવતાર પ્રતીકાત્મક છે, જેમાં તેઓ માનવીના મનની મોહ, મમતા, ક્રોધ જેવી આઠ ખામીઓ પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. તેમાં ગણેશજીના મૂષક ઉપરાંત સિંહ, મોર, શેષનાગ સહિત ચાર વાહન બતાવાયાં છે. એટલે કે જમીન, આકાશ અને પાણી ત્રણેમાં ચાલતાં વાહન.
ગણેશજીનાં વાહનોમાં ચાલતાં, ઊડતાં અને તરતાં ત્રણેય સાધનો સામેલ
મૂષક અને સિંહ ચાલતાં વાહન: ગણેશજીનું વાહન મૂષક છે. ગજાનનાવતારમાં તેઓ લોભાસુર, સ્કંદાવતારમાં મદાસુર, મહોદરાવતારમાં મોહાસુર, લંબોદરાવતારમાં ક્રોધાસુર, ધ્રૂમવર્ણાવતારમાં અભિમાન અસુરનો વધ કરે છે. વક્રતુંડાવતારમાં વાહન સિંહ છે. તેઓ મત્સરાસુરનો વધ કરે છે.
ઊડતું વાહન મયૂર: વિકટાવતારમાં ગણેશજીનું વાહન મયૂર પક્ષી છે. આ અવતારમાં તે કામાસુર નામના રાક્ષસનો વધ કરે છે.
તરતું શેષનાગ વાહન : ગણપતિના વિઘ્નરાજ અવતારમાં વાહન શેષનાગ છે. આ અવતારમાં ગણપતિ મમતાસુર રાક્ષસનો વધ કરે છે.
દિવ્યભાસ્કર ગુજરાત
ફોટો - *ઈરાનમાં 3200 વર્ષ જૂની મેટલ પ્લેટ પર ગણેશજીની પ્રતિમા તથા ચીનની મોગાઓ ગુફામાં 1400 વર્ષ જૂનું ગણેશનું પેઇન્ટિંગ*