*અંગત ડાયરી*
*શીર્ષક:- ટર્નીંગ પોઈન્ટ*
*લેખક:- કમલેશ જોષી*
*ઓલ ઈઝ વેલ*
આ પંદર દિવસ દરમિયાન લાઇફમાં મોટો ટર્નીંગ પોઈન્ટ આવ્યો છે.એ માટે આપના જેવા અત્યંત નિકટના,અંગત લોકોને હું આ યશકલગીના સાચા હકદાર ગણું છું.
મને વ્યક્ત કરતા આનંદ થાય છે,મારી નવલકથા"સાપ-સીડી"માતૃભારતી જેવા વિશ્વ ફલક પર ફેલાયેલા ગુજરાતી વાચક બિરાદરો સમક્ષ રજૂઆત પામી.આ જ નવલકથા પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક નોબતની'સંગત'પૂર્તિમાં સ્થાન પામી.ઈશ્વર કૃપા,વડીલોના,ગુરુજનોના આશીર્વાદ,વાચક બિરાદરોના ઉત્સાહવર્ધક પ્રતિભાવોથી આ ધન્યઘડી મારા જીવનમાં આવી.
મારી હસ્તલિખિત પહેલી વાર્તા"ઓલ ઈઝ વેલ"A4 સાઈઝના કાગળ પર વાંચીને એક મિત્રે કમેન્ટ કરેલી."તમે તો યાર લેખક બની ગયા."એ વાર્તાએ કબાટમાં એક વર્ષનો કારાવાસ ભોગવ્યો.એ દિવસો દરમિયાન હું વડોદરાના શ્રી મૃગેશભાઈ શાહ દ્વારા સંચાલિત રીડગુજરાતી ડોટ કોમ વેબસાઈટનું નિયમિત વાંચન કરતો. એમને મેં મારી વાર્તા"ઓલ ઈઝ વેલ"પબ્લિશ કરવા અંગે વાત કરી તો એમણે વાર્તા મોકલી આપવા કહ્યું.લગભગ સાતમા દિવસે એમનો ફોન આવ્યો કે આપની વાર્તા મંગળવારે પબ્લિશ થશે.હું હચમચી ગયો. સોમવારની માંડ-માંડ વીતેલી રાત્રિ પછી મંગળવારની સવારે ઈન્ટરનેટવાળું કમ્પ્યૂટર ધરાવતા મિત્રોને મેં પૂછાપૂછ કરી મૂકી.ત્યાં જ મૃગેશભાઈનો છ શબ્દો વાળો એસ.એમ.એસ.મારા મોબાઈલ પર આવ્યો."યુ પ્લેયડ સિક્સર ઈન ફર્સ્ટ બોલ."હું, મમ્મી, દાદાજી અને શ્રીમતીજી ભાવવિભોર બની ગયા.ત્યાં યુ.એસ.થી ફોન આવ્યો કે"આપ લેખક શ્રી કમલેશ જોષી બોલો છો?"હું લેખક તરીકેનું સંબોધન અને એ પણ વિદેશથી સાંભળીને રીતસર ધ્રૂજતો હતો.એમણે એમની સાહિત્યિક વેબસાઇટ પર મારી વાર્તા પબ્લિશ કરી.આ રીતે મૃગેશભાઈ શાહે મને લેખક તરીકે લોન્ચ કર્યો. અફસોસ તેઓ બહુ નાની ઉંમરે સ્વર્ગસ્થ થયા.આજના દિવસે તેમને સો-સો સલામ..
એક જન્મદિને સવારે શ્રીમતીજીની એક સખી ગીફટપેકીન્ગ લઈને ઘરે આવી.એ દિવસોમાં શ્રીમતીજીની નોકરી કચ્છ હતી.એટલે એણે મોકલાવેલી ગીફ્ટ હશે એવું અનુમાન કર્યું.રેપર ખોલતા આશ્ચર્ય થયું.દસ પુસ્તકોનું પેકીન્ગ હતું.મેં લખેલી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ પબ્લિશ કરાવી તેની દસ કોપી મને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવી હતી.એ મારું પ્રથમ પુસ્તક"ઓલ ઈઝ વેલ".જેમાંની અમુક વાર્તાઓને માતૃભારતી ડોટ કોમ,માતૃભારતી ડોટ કોમ પર સારો પ્રતિસાદ મળ્યો.
જામનગરનાનાટ્યકાર,લેખકગૌરવભાઈ પંડ્યાની મુલાકાતમાં તેમણે પોતાની લેખનયાત્રાના સંસ્મરણો શેર કર્યા.એમની વાતોથી પ્રેરાઈને મેં એક નવલકથા લખવાની શરૂઆત કરી.સમય મળે ત્યારે,મૂડ બને ત્યારે હું પ્રકરણ લખ્યે જતો.એક દિવસ શ્રીમતીજીએ સુરતમાં યોજાનાર લઘુનવલસ્પર્ધાની વાત કરી,એક સમયરેખા બાંધી આપી.એ પછી નવલકથા પૂરી કરવી મારી ફર્સ્ટ પ્રાયોરીટી હતી.ક્યારેક મોડે સુધી જાગતો અને ક્યારેક વહેલી સવારે ઊઠી જતો.લગભગ કટોકટ સમયે મેં આ નવલકથા"સાપ-સીડી"પૂર્ણ કરી અને મારાથીયે વધુ ઝડપે શ્રીમતીજીએ એડિટીન્ગની અને સુરત સ્પર્ધામાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરી.ફરી અમે રિઝલ્ટની રાહ જોતા હતા.એક બપોરે ફોન દ્વારા એમના તરફથી જાહેર થયું કે"ત્રણ ખ્યાતનામ લેખકોએ આપની નવલકથાને પ્રશંસા પુરસ્કાર માટે પસંદ કરી છે."એન્ડ ઈટ વોઝ ટાઈમ ફોર સેલિબ્રેશન..
આ નવલકથાને લોકો સમક્ષ મૂકવા માટે શ્રીમતીજીએ એક્ટિવ રોલપ્લે કર્યો.બેક મહિના પહેલા માતૃભારતીના સંચાલક મહેન્દ્રભાઈ શર્મા સાથે વાત થઈ.તમામ પ્રકરણો મોકલી અપાયા અને પંદર દિવસમાં આખું ટાઈમ ટેબલ પણ આવી ગયું.અમને માતૃભારતી ડોટ કોમનો દિશાનિર્દેશ કરનાર જાણીતા લેખકમિત્ર પ્રવિણભાઈ પીઠડીયાનો ખૂબ આભાર.આ દરમ્યાન નોબતના સંચાલક દર્શકભાઈ માધવાણી તરફથી નવલકથા પ્રકાશનનું ગ્રીન સિગ્નલ મળી ગયું.અને પરિણામ આપ સૌની સામે છે.
આ કલમ,કાગળ,વેબસાઇટ,પ્રકરણ,પાત્રો,સંવાદો અને સંવેદનાઓનો આખો શસ્ત્રસરંજામ જેના દરબારમાં પેશ કરવામાં આવે છે એ વાચક રાજા,વાચક બિરાદર.સદભાગ્યે મને બે લીટીથી બાવીસ લીટી સુધીનો ઝીણવટભર્યો,પ્રશંસાત્મક,આલોચનાત્મક અને પ્રેરણાદાયી પ્રતિભાવ આપનાર અનેક વાચક બંધુ ભગિનીઓ મળ્યા છે.મારી આ સાહિત્ય યાત્રાને વેગ આપનારા સૌનો ખરા હૃદયથી આભાર પ્રગટ કરું છું.
બાય ધ વે આવનારા દિવસો માટે એક સરપ્રાઈઝ તૈયાર થઈ રહ્યું છે.પિક્ચર અભી બાકી હૈ...