હવાના હાથ પર મે ફૂલની મેંદી કરેલી છે.
અસર એની જ મારા લોહીમાં ભરચક ભરેલી છે.
પ્રથમ કાગળ ઉપર દોરી પછી આકાશમાં ફેંકી,
અમારી આ ક્રિયાથી લાગણી ખુબ જ ડરેલી છે.
બનાવટ કેટલી આવી ગઈ છે શ્વાસ લેવામાં,
નથી તાજા ગુલાબો ક્યાંય ખુશ્બુ પણ મરેલી છે.
હજી આ લાશમા થોડીક ઉષ્મા કેમ બાકી છે ?
અમારા પ્રશ્નથી સૌની હથેળી કાં ઠરેલી છે ?
ઉઘડશે પાંખ ત્યારે આભને ચણવા થશે તત્પર
નવા પંખીની ઉજ્જડતા જુઓ માથા ફરેલી છે.