#તમારું_ગાંડપણ_જીવો
આજે આ ટોપિક ઉપર મારા એક મિત્રની મસ્ત પોસ્ટ વાંચી અને ક્યારનીય કંઇક કહેવા માટે આંગળીઓ થનગની રહી હતી...
મારું ગાંડપણ હું રોજ જીવું છું, સવારે ઊઠીને બ્રશ ઉપર પેસ્ટ લગાડતી હોઉં ત્યારે જ મોટેથી(હા..હા..બુલંદ અવાજે પાડોશીઓને સંભળાય એમ) જે મનમાં આવે એ ભજનની, જેટલી અને જેવી આવડે એવી લીટીઓ લલકારી લઉં ત્યારે મારાં દિવસની શરૂઆત થાય. હું કલાકાર જીવ છું પણ ખાટલે મોટી ખોડ યાદ રાખવાની છે... ભજનની પહેલી અને છેલ્લી લાઈન બરોબર યાદ હોય પણ વચ્ચેના અંતરા મારાથી બરાબર અંતર બનાવી રાખે.. પછી આગળ કહ્યું હું કલાકાર જીવ છું એટલે મારી જાતે કેટલીક કડીઓ જોડી લઉં... બધું જ એના રાગ પ્રમાણે ચાલું રહે... કોઈને ઓરીજીનલ ભજન ના આવડતું હોય તો એ મારાવાળાને જ સાચું માને...?
કિચનમાં આવીને ચા મૂકું ત્યાં સુધી ભજન ગાઈને આત્મા તૃપ્ત કરી લીધી હોય એટલે પછી યાદ આવે માતૃભાષા! ગુજરાતી ગીત યાદ આવે તો એને પહેલી પસંદગી નહિંતર હિન્દી ગીતનું ગુજરાતી કરીને ગાવાની પણ મારી ફાવટ છે! હું કલાકાર જીવ છું આગળ કહી ચૂકી છું ? મારાં સુરીલા અવાજે ગવાતું હિંદીનું ગુજરાતીકરણ પણ ઘણાને વિચારે ચઢાવે એવું હોય છે. શેના વિચારે એનો વિચાર હું નથી કરતી... કેમ કે હું તો મારું ગાંડપણ જીવતી હોઉં છું ત્યારે...?
વેલ આવું તો ઘણું બધું છે જે આગળ આગળ લખાતું રહેશે... બધું આજે જ કહી દઉં તો તમે મને ફૂલ ટાઈમ પાગલ માની લેશો..? ચાલો હવે તમારાં ગાંડપણ ને હેસ ટેગ લગાડી લખવા લાગો...?
નિયતી કાપડિયા.