"કાશ્મીર " શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું. કશ્યપના નાગ પુત્ર અનંતે તળાવને સૂકવી નાખ્યું જેથી જલોદ્ભવ નામના રાક્ષસ ને પકડી શકાય. કશ્યપે એ રાક્ષસને મારીને તેમના ત્રાસમાંથી લોકોને છોડાવ્યા. છઠ્ઠીથી આઠમી સદીના કાશ્મીરી ગ્રંથ નીલમત પુરાણ તેમજ રાજતરંગિણી અનુસાર, કશ્યપ પરથી રાજ્યનું નામ કશ્યપ-મીર (એટલે કે કશ્યપનું તળાવ) તેમ પડ્યું જે અપભ્રંશ થઈ કાશ્મીર બન્યું. (સંસ્કૃતમાં મીર એટલે સમુદ્ર-સાગર થાય). ઉપરાંત કશ્યપના પુત્રના નામ પરથી જ એક જિલ્લો બન્યો અનંતનાગ. આ મોટું તળાવ જ્યાં સૂકવી નાખવામાં આવ્યું તે સ્થળ હતું વરાહમૂલ જે બાદમાં બારામુલ્લા બન્યું!