#frienship
સમી સાંજે લાકડી નેં ટેકે ટેકે બગીચા ના બાંકડે આવી ને વસુબા બેઠા.ઘરે છોકરાં ની ફ્રેંડશીપ પાર્ટી હતી અને એમને સૂચના કે સાંજે ઘર ની બહાર જ રહેજો. રાતે જ આવજો. પર્સ ખોલી પૌત્ર નાનકા અે આપેલ ફ્રેન્ડ્શીપ બેલ્ટ જોયો. દાદી, તમારે કોઈ મિત્ર નથી? લો એને બાંધજો. અલપ ઝલપ વિઠ્ઠલ ની યાદ આવી ને જતી રહી.
માબાપે શોધેલી છોકરી સાથે લગ્ન કરતી વખતે વિઠ્ઠલ અે કહેલું કે પ્રેમ કાયમ રહેશે, પતિ તરીકે નહીં તો મિત્ર તરીકે. પણ કોઈ દી મળવાનું થયું જ નહીં.મહેશ ને ગુજરી ગયા ને હવે ૫ વર્ષ થઈ ગયા. સાથે રહ્યા એટલા વર્ષો ના પ્રસન્ન દામ્પત્ય જીવન પછી આજે અચાનક વિઠ્ઠલ ની યાદ કેમ ની આવી ?
લાકડી ના ટેકે કોક વૃદ્ધ બાજુ માં આવી બેઠા. સામે જોયું.. ધૂંધળા દૃશ્યો.. ઝાંખી યાદો.. આછેરા સ્પંદન..હૃદય માં ઠંડક..આંસુ નો એક રેલો વસુબા ના ગાલ પર ઉતર્યો.
તમારા ઘરે પણ પાર્ટી છે, વિઠ્ઠલ ? વિઠ્ઠલ અે હા પાડતાં, એમણે પર્સ માં થી બેલ્ટ કાઢી ,એમના હાથે બાંધતા કહ્યું, ચલ આપણે પણ આજે ફ્રેન્ડ શીપ ડે ઉજવીએ .
વિઠ્ઠલ અે કહ્યું, હેપ્પી ફ્રેન્ડશીપ ડે !
અને બે બોખા મોં હસી ઉઠ્યા...