"કારણકે હું પુરુષ છું"
મારો જન્મ થયો અને સૌ ખુશ થઇને બોલ્યા, આપણો વંશ આગળ વધાવનાર આવી ગયો.
નાનપણમાં જ્યારે બહેન કરતાં બધું વધારે મળતું,તો હું ખૂબ જ ખુશ થતો.
રમતા રમતા પડ્યો અને વાગ્યું, હું ખૂબ રડ્યો. પપ્પાએ ખીજવાઇને ચૂપ થવા કહ્યું. "રડીશ નઈ, તું છોકરો (પુરુષ) છે.
બીમાર મમ્મીને રસોડામાં મદદ કરાવા જતો,તો દાદીનો ઠપકો મળતો. તું પુરુષ છે.
દુ:ખી થઇ રડતી બહેન સાથે રડતો, તો મમ્મી કહેતા છોકરા(પુરુષ)ઓ ન રડે.
બહેન બધું કામ કરે અને હું ટીવી જોઉં. બ્હેનને બહાર જવાની છૂટ નઇ ને હું મોડે સુધી બહાર રખડું. કારણ કે હું પુરુષ છું
કોલેજમાં આવ્યો અને પ્રેમ થયો, લાગણીઓ જતાવી તો છેડતીનો આરોપ લાગ્યો. બીજી યુવતીના પ્રેમનો ઇન્કાર કર્યો તો 'પથ્થર દિલ'નું ઉપનામ મળ્યું. કારણ કે હું પુરુષ છું.
આખરે સાચો પ્રેમ થયો અને બ્રેકઅપ પણ થયું, ખૂબ રડ્યો..તો દોસ્તો તો ઠીક મમ્મીએ પણ 'બાયલો' કહ્યો. કારણકે હું પુરુષ છું.
લગ્ન થયા, જવાબદારીઓ આવી. નોકરી પર બૉસનો ઠપકો અને ઘરે પત્નીની બકબક. દરેકને કંઇક કહેવું હતું પણ હું ચૂપ રહ્યો. કારણકે હું પુરુષ છું.
બચપણથી શીખ્યો હતો રડવું કાયરતા છે, આથી ન પત્નીના આંસું દેખાયા. ન મા ની વેદના. ત્યારે સમાજ અને દુનિયા કહ્યું 'કેવો કઠોર પુરુષ છે'
અરે હું તો એ પણ ન હતો કહી શકતો કે જે લાગણીઓને નાનપણથી જ દબાવી દેવાઈ હતી. ન મને રડવા દીધો, ન મને લાગણીઓ જતાવવા દીધી. એને હવે શી રીતે જાણીશ..સમજીશ આ લાગણીઓ. કારણકે હું પુરુષ છું.
અરે હું તો પોતાની લાગણીઓને નથી સમજી શકતો. દુ:ખ થાય રડીશ તો લોકો બાયલો કહેશે. લાગણીઓ જણાવીશ,તો કાયર કહેશે. તો મારા જેવા પુરુષોએ મને ગુસ્સાનો અને નશાનો રસ્તો બતાવ્યો. હવે હું 'દારૂડિયો પુરુષ' પણ બની ગયો.
ઘરડા માતા-પિતા અને પત્ની એમ ઇચ્છે છે હું એમની લાગણીઓને સમજું , પણ હું તો પુરુષ છું ને.! દયા, વ્હાલ, સહાનુભૂતિ જેવી 'નબળી' લાગણીઓ મને ક્યાં કોઇએ શીખવી જ છે..?!
હું ન તો લાગણીઓ જણાવી શકું છું, ન હું રડી શકું છું. આ દુનિયા સામે મારે મજબૂત બનીને રહેવાનું છે. આથી જ હું નશાના રસ્તે જઇ એ કમજોર લાગણીઓને Blunt કરું છું. કારણ કે હું પુરુષ છું.
કાશ મને મારા જન્મથી લઇ અત્યાર સુધી એક માનવની જેમ ઉછેર્યો હોત, મને પુરુષત્વના ભાર નીચે નઇ, પણ દરેક લાગણીઓ સાથે ઉછેર્યો હોત. હું પડ્યો ત્યારે કાશ મમ્મી-પપ્પાએ મને રડવા દીધો હોત. કાશ મારી લાગણીઓ મારી પત્નીએ પૂછી હોત...તો અત્યારે હું મારા માતા-પિતા, પત્નીની લાગણીઓ જોઇ , સમજી શકતો,સહાનુભૂતિ(Empathy ) આપી શકતો.
અને હું પોતાની બેચેની અને લાગણીઓ પણ બીજા સાથે વ્હેંચી શકતો..
* * *
હંમેશા સ્ત્રીઓની લાગણીઓ વિશે લખાઇ છે, પુરુષો માટે કેમ નઇ..??
મારું આ કાવ્ય પુરુષ સમાજને સમર્પિત જેમની લાગણીઓને જવાબદારીઓના ભાર હેઠળ કચડી નાંખવામાં આવે છે.?