છે અમીરો એકદમ નિર્દોષ એવું પણ નથી,
ને ગરીબો નો બધો છે દોષ એવું પણ નથી.
એ ખરું કે રોજ શનિ મંગળને રાહુ પણ નડે,
એટલે મેં જોવડાવ્યાં જોષ એવું પણ નથી.
કારતક ગમતો નથી ને માગશર નમતો નથી,
એટલે વેચ્યો મજાનો પોષ એવું પણ નથી.
એક બે શબ્દો વિષે તમને અમે પૂછ્યું હશે,
પણ તમે છો શબ્દનો કોષ એવું પણ નથી.
ફૂલ જેવું ફૂલ પણ ધમકી મને આપી ગયું,
એજ વાતે છે 'જિગર'માં રોષ એવું પણ નથી.
જિગર ઠક્કર ‘ગઝલનાથ’