તમારાં ઘરમાં કોઈ મસ્ત ટી- સેટ આવે કે કાચનાં બાઉલ આવે ત્યારે સૌથી પહેલાં તમે શું વિચારો?
એને સાચવીને મૂકી દો અને ઘરમાં જ્યારે મહેમાન આવશે ત્યારે વાપરીશું એમ નક્કી કરો. કોઈ ખાસ માણસને તમારે બતાવી આપવું હોય કે જુઓ મારી પાસે આટલી સુંદર કપ રકબીનો સેટ છે! કે પછી કોઇની આગળ કહેવું હોય, “આઇસ્ક્રીમના કપ હવે કેટલાં નાના આવે છે હું તો ફેમિલી પેકની સાથે નવી વાટકીઓ પણ લઈ આવી. સફેદ વાડકી પર ગુલાબી ફૂલો સરસ લાગે છેને?" અને તમારાં ખાસ મહેમાનો એ પરાણે તમારી વાટકીના વખાણ કરવાં પડે...?
પહેલાં હું પણ આવું જ કરતી. ગિફ્ટ તરીકે આવેલી મહેંગી ક્રોકરી સાચવીને મૂકી રાખતી અને મજાની વાત એ હતી કે સેમ એવી જ બીજી ક્રોકરી ઘરમાં આવે ને ફરી હું એને સાચવીને કબાટમાં ચઢાવવા જાઉં ત્યારે જ પેલી પહેલા સાચવી રાખેલી વસ્તુઓ પર નજર જતી! કોઈ એવા ખાસ મહેમાન ઘરે આવ્યા જ નહોતા... ક્યારેક આવ્યાં હતાં ત્યારે જમવાનું બહાર હોટેલમાં રાખેલું!
ટુંકમાં મારી સાચવણી કબાટ ભરીને થઈ ગયેલી અને રોજીંદા વપરાશમાં લેવાતાં મારા સાથીદાર જેવા મગ, પ્લેટ, ચમચા - ચમચી અને વાટકીઓ જાણે મને આશ્વાસન આપી રહ્યાં હતાં, “અમે હજુ બે ચાર વરસ ટકી જઈશું.. ચિંતા કરો મા!"
પછી શું ફટ દઈને મેં નિર્ણય લઈ લીધો...
બપોરે જમતી વખતે નવી પ્લેટ જોઇને મારી દીકરીએ તરત ટકોર કરી, “આ તો બે વરસ પહેલાં દિવાળી ઉપર આવેલી ગિફ્ટમાની પ્લેટ છે એને કેમ બહાર કાઢી?"
એ પણ મારી જોડે રહીને મારા જેવું જ વિચારતી થઈ ગયેલી... મારી જેમ એને પણ પ્રત્યક્ષ જ્ઞાનના દર્શન કરાવવા જરૂરી હતા... એટલે મેં કહ્યું, “આજથી દસેક વરસ પછી જ્યારે તને જોવા છોકરાવાળા આવે ત્યારે એ પ્લેટ કાઢવાની તારી ઈચ્છા હોય તો મૂકી રાખ સાચવીને!"
મારી બેટી મારી સામે મોઢું મચકોડીને બેસી ગઈ પછી ઊભી થઈ અને નવા ગ્લાસનો સેટ પણ નિકાળીને લઇ આવી... “નવી પ્લેટ સાથે નવા ગ્લાસ!"
“અરે કાચનાં ગ્લાસ છે તૂટી જશે... ઘરમાં તો સ્ટીલના જ સારા પડે!" હું બબડાટ કરવાં લાગી.
“આજથી દસ વરસ પછી તારે ગલાસની દુકાન ખોલવાની છે? તારા છોકરાની વહુ માટે નવા ગ્લાસ વાપરીશ અને મારા માટે?"
મારી બેટી આગળ મારી બોલતી બંધ!
ટુંકમાં સંગ્રહ કરવો સારી વાત છે પણ કેટલો અને કઈ વસ્તુનો સંગ્રહ કરવો એ પણ વિચારી રાખવું. જ્ઞાની જણ કહી ગયા છે કે આવતી કાલનો પણ ભરોશો નથી ને આ ડાહ્યા માણસો વરસ ચાલે એટલાં અથાણાં, મસાલા ભેગા કરે છે...?
જય શ્રીકૃષ્ણ ?
©Niyati Kapadia.