પગલા ભૂંસી ચાલતાં થવું..!
પગલા ભૂંસી ચાલતાં થવું.. પંથ ઉપર મહાલતા જવું.
આંનદ આંનદ વેરતા વેરતા.. આંનદને પંપાળતા જવું.
ખડક થવું હોય તો ખડક; નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.
પરીઓના સ્વપ્નાઓનો ત્યાગ કરીને બાળારાજાઓ પોતાની પ્રિય શાળા તરફ દોટ લગાવે છે; આવા ટાણે ઓલી પરીયુંને’ય ખોટું ન લાગે..!
“બાળકની એક મુસ્કાન પર તમે શું ફના કરી શકો?”
આવો સવાલ બોટાદ નિવાસી કિશોરભાઈ રામદેવપુત્રમને પૂછવામાં આવ્યો.. તો તેવો કહે: “બાળકોના એક સ્મિત ઉપર હું મારું આ વાનપ્રસ્થ વારી જાઉં, ન્યોછવર કરી દઉં.”
તો આવો મળીએ.... આવા સ્નેહી મિત્ર શ્રી કિશોરભાઈ રામદેવપુત્રમને..!
શ્વેત લિબાસ, શ્વેત કેશ... પરંતુ બાળકોના હૈયામાં રંગીન યાદોનું જથ્થાબંધ ચિત્રણ કરવા નીકળી પડ્યા છે.
વેકેશન પૂર્વેના એ દિવસો... કિશોરભાઈ રામદેવપુત્રમ મને બોટાદકર સાહિત્યસભામાં મળ્યા. અને કહે: “હવે હું નિવૃત્ત છું. મારે દરેક શાળામાં જઈને કવિતાઓ.. બાળગીતો ગાવા છે. વાંસલડી વગાડવી છે.. ડ્રમના તાલે બાળકોને નચાવવા છે.. દરેક શાળામાં સંગીત પીરસવું છે.”
કિશોરભાઈ નિવૃત્ત શિક્ષક નથી.. કે નથી કોઈ કલાના આરાધક.. છતાં પણ આવો રળિયામણો વિચાર સ્ફૂર્યો એ કાબિલ-એ-તારીફ હતો...
કિશોરભાઈ રામદેવપુત્રમ ૧૯૯૪ થી ૨૦૧૫ સુધી એસ.બી.આઈ. બેંકમાં નોકરી કરી છે. તેમનો શોખ.. વાંચન, લેખન, સંગીત વાદ્ય, ગાયન અને પ્રવાસ... તેમના આ તમામ શોખ પાંગર્યા છે.
કિશોરભાઈ રામદેવપુત્રમને મળીને સુરેશ દલાલની પંક્તિઓ સાંભરે...
મરણ આવે ત્યારે વાત....
હરતા રહેવું, ફરતા રહેવું.
ઝરણાંની જેમ વહેતાં રહેવું.
મહેફિલને મન ભરીને માણી...
જલસા જલસા કહેતા રહેવું.
જીવન અને મરણની વચ્ચે નહી પ્રશ્નો, પંચાત.
મરણ આવે ત્યારે વાત.
મેં કહ્યું: “વાહ ! અદભૂત ખ્યાલ છે. શાળામાં પરીક્ષાઓ પછી વેકેશન રહેશે. વેકેશન પછી રાખો...” અને એમને મને જેન્ટલમેન પ્રોમિસ આપ્યું..
હવે, શાળાઓમાં વેકેશન આળસ મરડીને બેઠું થયું છે. રજાઓ વેકેશનમાં ગઈ. અને બાલુંડાઓ ટહુકવા લાગ્યા. આ સાથે જ અમારી શાળામાં કિશોરભાઈ રામદેવપુત્રમ ઉપસ્થિત રહ્યા.
આજે તેમની સામે નોટોના બંડલ નહોતા.. તેમની સામે કૌતુકભરી આંખોના બંડલ હતા. વિસ્મયમાં વિહરતાં અને અમથું અમથું મલકતાં ફરિશ્તાઓ હતા.
તેમની સમક્ષ કિશોરભાઈ એ મહેફિલ જમાવી. વાંસળી વાદન કર્યું. સ્વરચિત બાળકાવ્યો રજૂ કર્યા. જવલ્લેજ સાંભળવા મળતું વાદ્ય ‘માઉથ-ઓર્ગન’ વાગડ્યું...
સમય થંભી જાય તો કેવું સારું? એવું થયું.. વાંસળી વાદન સમયે ચુનીલાલ મડિયાની “શરણાઈનાં શૂર” વાર્તાનું પાત્ર રમઝુ મીર જીવંત થયું.
ટૂંકમાં કહું તો કિશોરભાઈ રામદેવપુત્રમ બોટાદ જિલ્લાની શાળાઓમાં નિ:સ્વાર્થભાવે પોતાની આ મસ્તીનો ગુલાલ કરવા ઇરછે છે. આપ તેમને આમંત્રણ આપીને બોલાવી શકો છો. તેમનો સંપર્ક નંબર... ૯૬૦૧૮૫૪૧૫૯
શું ખબર તેમની એક મંજિલ આપની શાળાનું દ્વાર બને..! તો હવે ક્યારે બોલાવો છો કિશોરભાઈ રામદેવપુત્રમને ગમતાનો ગુલાલ કરવા????
(ન.જો. ૯/૭/૨૦૧૯)