...#... નારી તું નારાયણી...#...
અવતરણના અસ્તિત્વની જાણ શું થઇ,
ગર્ભમાં જ એના ભાગ્યે સમાધી હતી...
અજાણ્યે અવતરી શું ગઇ આ દંભી દુનિયામાં,
પરંપરાઓના નામે દૂધપીતી કરાઇ હતી...
પેંડાનીં જગ્યાએ બરફી વેચાઇ સમાજમાં,
સમાજના પક્ષપાતની આ પહેલી પગથી હતી...
ફેર-ફુદળીની ઉંમરે વટકલું કરતી ઘરમાં,
નાના વિરલાના પ્રેમમાં આંધળી હતી...
ભરવી હતી ઉડાન એને નિલ ગગનમાં,
રુઢીવાદની જાળમાં ફસાઇ ચકલી હતી...
"દિકરીને ગાય દોરે ત્યાં જાય"કહેતા ગુમાનમાં,
હકીકતે આ સમાજની "પાપ-ઢંકાઇ" હતી...
મનના માણીગરનું કરવું હતું એને વરણ,
માન-મોભાની ચક્કીમાં ત્યારેય એ પીસાઇ હતી...
કડવા ઘૂંટડા પીને અમીવર્ષાં કરી જીવનભર,
છતાંય જશ ના પામી,એવી એ કઠણાઈ હતી...
સ્મશાને સમય લીધો,એના દેહે ચીતામાં બળતાં,"કમલ"
એ તો એના અધૂરાં સપનાઓ અને ઇચ્છાઓની હોળી હતી...