Gujarati Quote in Story by Narendra Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ મારી મા છે !

મારી મા નું ઠેકાણું.. લગ્ન થતા હોય એ વાડીના દરવાજે. કમુરતાંમાં મંદિરના દરવાજે. મેળામાં.. જ્યાં બાળકોની ચિચિયારી હોય ત્યાં. ટોપલો માથે અને હાથમાં થેલો... આખો દિવસ રમકડાં વેચીને ઘર ભણી આવતી હોય, અને કોઈ વાડીમાં જન્મ દિવસ ઉજવાતો હોય તો ત્યાં થંભી જાય. થેલો બાજુમાં મૂકીને ટોપલામાં રમકડાં ગોઠવવા માંડે.

ટોપલામાં રમકડાં ગોઠવતી વખતે મારી મા, રમકડું જ બની જતી. રમકડાને ભૂખ થોડી લાગે.. રમકડાંને થાક થોડો લાગે?

મને થાય કે, એક નાનકડાં ટોપલામાં આટલાં બધા રમકડાં કેવી રીતે સમાવીને સજાવટ કરી લેતી હશે? પછી થયું કે જેવી રીતે અમારી નાની ઝુંપડીમાં હું ને મારા ભાઈ-ભાંડુઓને અને મારા બાપુને સમાવી લે છે, બસ એવી જ રીતે નાનકડાં ટોપલામાં ઘણાબધા રમકડાં સજાવી દે છે.
કારણ, એ મારી મા છે.

મેં કેટલીય વાર જિદ્દ કરી કે મને રમકડાં બનાવતા શીખવાડ. મેં કેટલીય વાર જિદ્દ કરી કે આજે નિશાળમાં રજા છે તો તારી હારે આવું ?.... મા સામે મારી તમામ જિદ્દ હારી જતી. કારણ, એ મારી મા છે.

ઓણ ધોમધખતા ઉનાળામાં પણ ક્યાંક-ક્યાંક લગ્ન છે. રાતે બનાવેલાં રમકડાંનો થેલો ભરીને જતી મા નું બાવડું આજે મેં પકડીને ફરી મેં જિદ્દ કરી.
“મા મારે વેકેશન છે. મારે તારી સાથે આવવું છે.”

ટોપલો હેઠો મૂકીને મને કહે: “પસવી વરહ પેલાં, હું સાતમી સોપડી મેલીને રમકડાં વેસવા માંડેલી.. તે હજુ વેસુ સુ.. તયેં મારે ભણવું તું..! તૈય મને રોકવા વાળું કોઈ નોતું. તારે તારું તો ભણવાનું સે, તારે મારુય ભણવાનું સે... હુંઉં હમજી તું....???” ફરીવાર મારી જિદ્દ હારી ગઈ.

હવે મને સમજાયું કે....મારી મા....!
દરવાજાની બહાર બેસી મને શાળાની અંદર મોકલે છે....!
મને રમકડાં બનાવવાનું શીખવતી કેમ નથી ?
કારણ, એ મારી મા છે.

લેખન: નરેન્દ્ર જોષી.

Gujarati Story by Narendra Joshi : 111207292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now