અર્ધ સત્ય બોલીને અનર્થ કરવાની કળા.
અર્ધ સત્ય આપણને ગુમરાહ કરે છે. અમુક લોકોની વાત કરવાની શૈલી જ રહસ્યભરી હોય છે.તેઓ
આપણને એવી રીતે કંઈક વાત કહેશે કે આપણે પુરી વાત સમજવા માટે સામેથી કેટલાક પ્રશ્નો પૂછવા પડે.
એક પતિ-પત્નીનો સંવાદ સાંભળોઃ
'આજે સાંજે ઑફીસેથી આવતી વખતે તમે દૂધ લેતા આવજો'
'કેમ, આજે મારે દૂધ લાવવાનું છે? રોજ તો સાંજે તું મંદિરે જાય છે ત્યારે શાકભાજી અને દૂધ લેતી આવે છે...'
'પણ આજે હું મંદિરે નથી જવાની ...'
'કેમ આજે મંદિરે જવાની કોઈએ ના પાડી છે?
'ના તો કોઈએ નથી પાડી, પણ મારી મમ્મી મને મળવા આવવાની છે એટલે હું બહાર નહિ નીકળી શકું....'
'તારી મમ્મી કેમ આવવાની છે?
‘કેમ મારી મમ્મી મને અમસ્તી મળવા ન આવી શકે? તમને કંઈ વાંધો છે?'
કશાય કારણ વગર વાતનું વતેસર થઈ જાય! ગાડી એવી આડે પાટે ચડી જાય કે કારણ વગર કંકાસ થઈ જાય. જો પત્નીએ પહેલી વખત જ પૂરી વાત સ્પષ્ટ કહી દીધી હોત કે
'આજે મારી મમ્મી અમસ્તી જ મને મળવા આવવાની છે એટલે કદાચ મારાથી બહાર નહિ
જઈ શકાય, તો તમે ઑફીસેથી આવતી વખતે દૂધ લેતા આવશો?'તો કોઈ પ્રોબ્લેમ પેદા થાત ખરો?
સરળ વાત સ્પષ્ટ રીતે ન કહ્વેવાને કારણે ક્યારેક એવા તણખા ઝરે છે કે સ્નેહભર્યા સંબંધમાં પણ તનાવ પેદા થઈ જાય છે.
ગયા મહિને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે આવો જ એક અનુભવ થયો હતો. ટીસી અમારા કમ્પાર્ટમેન્ટમાં આવ્યો અને અમારી સૌની ટિકીટ ચેક કરી.એક બહેનને ટીસીએ કહ્યું
'ટિકીટ પ્લીઝ ...'
'મારી પાસે ટિકીટ નથી ...'
'ટિકીટ વગર ટ્રાવેલ કરો છો?'
'ના ટિકીટ તો લીધી હતી....'
' તો બતાવો ...'
' એતો મારા પતિ પાસે છે...'
' તમારા પતિ ક્યાં છે? એમને બોલાવો...'
' એ તો મને સ્ટેશને મુકી પાછા ગયા... ટિકીટ એમની પાસે રહી ગઈ ...'
ટીસીએ એ મેડમને વિધાઉટ ટિકીટ ટ્રાવેલ કરનાર તરીકે દંડ કર્યો.
મેડમની વાત કરવાની રીત એવી અણઘડ હતી કે એમના પ્રત્યે જરાય સહાનુભૂતિ ન થાય.
એક સ્પ્ષ્ટ વાક્ય ન બોલે અને પચ્ચીસ અસ્પષ્ટ વાક્યો બોલા કરે !
અર્ધ સત્ય બોલનાર વ્યક્તિ કાં તો અણઘડ હોય છે કાં તો ભારે મુત્સુદ્દી અને કપટી હોય છે
એમની વાત સામેની વ્યક્તિને મુંઝવી મારે અને ક્યારેક ગુસ્સો કરાવે ! જેવું વ્યક્તિત્વ હશે એવી
શૈલી હશે. સરળ અને નિખાલસ માણસ એક જ ટૂંકા વાક્યમાં સંપૂર્ણ વિગત આપી દેશે અને
અણઘડ કે મુત્સદ્દી માણસ પચાસ વાક્યો કહેશે તોય અધૂરી માહિતી આપશે. આવા લોકો સાથે
પનારો પડ્યો હશે એને એની પીડાનો પરચો થયો
જ હશે.!
ગુજરાત ટાઈમ્સ સપ્તક પૂર્તિ
"અનુભૂતિ" રોહિત શાહ