જળકૃત ખડક સમી મારી આંખોમાં,
ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.
શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો
મૃગજળમાંથી પણ મોતી મળે છે.
ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,
ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે.
શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે,
તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.
ખંડેરમાં ભેંકારતા આફરો ચડાવી પડી છે,
સૂંવાળો ઇતિહાસ ત્યાં કાયમ સળવળે છે.
દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,
લાકડુ બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.
જીન્દગી આખી તો રાખ્યો હતો અંધારામાં,
આખરે સૌના ચહેરે મારી ચિતા ઝળહળે છે.
મૃત્યુની ખીણની ચિંતા તો હોય ક્યાંથી,
જીન્દગીની ઠોકરની હજી ક્યાં કળ વળે છે.