હૈયાંને મૂક્યું હચમચાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી!
કરુણરસને ગૈ પ્રગટાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !
હજુ તો પા..પા.. પગલી ભરતાં હતાં માસુમો દુનિયામાં,
શાને એને લીધાં બોલાવી? કઠોર કૃપા પ્રભુ તારી કેવી !
ન્હોતું જોયું જગત જેણે છાત્ર થૈને વિદ્યા મેળવતા' તાં,
લીધાં એને અગને લપેટાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી!
ખિલું ખિલું થતાં આશાભર્યાં કલિકાસમ બાળકુસુમો,
ઓચિંતાની દુનિયા છોડાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી!
રડતાં હશે અંતર એનાં ગુમાવ્યાં જેણે સંતાનો પોતાનાં,
દેજે સહનશક્તિ દયા લાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '