જ્યાં અરસપરસ સ્નેહ પરખાય
એ ઝૂંપડી પણ મને રાજમહેલ લાગે.
જ્યાં એકબીજાની વાત સમજાય,
એ ઝૂંપડી પણ મને રાજમહેલ લાગે.
સ્નેહસુધા વસે વર્તને પરસ્પરના,
પરાવાણી મુખેથી સદાય ઉચ્ચારાય.
અતિથિની પરોણાગત જ્યાં થાય,
એ ઝૂંપડી પણ મને રાજમહેલ લાગે.
જ્યાં આમન્યા મા બાપની સચવાય,
જ્યાં ભજન ભોજન સૌ સાથે થાય.
સંપ, સહકાર અને સન્મતિ દેખાય,
એ ઝૂંપડી પણ મને રાજમહેલ લાગે.
જે કુટિરે સંતોનાં પગલાં થતાં જણાય,
સદાચાર આચારસંહિતા બની જાય.
જ્યાં ભૂખ્યાં અન્ન પામીને હરખાય,
એ ઝૂંપડી પણ મને રાજમહેલ લાગે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '