લખતાં લખતાં અટકી જવાય છે,
યાદોમાં તારી ખોવાઈ જવાય છે.
આવું શાને થાય છે?
પ્રેમમાં આવું જ થાય છે.
પહેલા કંટાળા જનક લાગતી એકલતા
હવે બહાનું કાઢી ને શોધવી પડે છે,
દુનિયા હવે પરીકથાના કાલ્પનિક પાત્રો
જેવી અદભૂત લાગે છે.
નશો પ્રેમનો છે કે શરાબનો
શોધવા દુનિયા મથે છે,
છતાં આ પ્રેમનાં નશામાં
મદહોશ થવું દિલને ગમે છે.
રાત પડયે ઘેરાતી આંખો
હવે ઉજાગરા સહન કરે છે,
સપનાનો રાજકુમાર હવે
મલકાતા ચહેરા સાથે આવે છે.
જલદીથી વીતી જતાં સમયને
બાટલી માં કેદ કરવો છે,
આ કેદ ની મુક્ત દિવાલોમાં
પવન પ્રેમનો ફૂકવો છે.
છૂપાઈને તારા હદય ઝરૂખે
વાતો દુનિયાની કરવી છે,
બોલ્યા વિના સમજી શકાય
એવા શબ્દોની ભેટ આપવી છે.
ખીલી છે કૂંપળ તારા પ્રેમની
અવિરત સ્નેહઝરતી ધારામાં,
કરમાઈ ને ખરી જાય એ પહેલાં
સમાવી લે તારી બાહોમાં.
ઝબક્યા વિના એકીટશે
આંખની પાંપણ જોઈ રહી છે
વીંધાઈ નજરોથી શરમથી લાલ
ગાલની લાલી થઈ રહી છે
અથડાતાં તારા શ્વાસોશ્વાસની
લય સાંભળવી છે,
ઝણઝણાટી તારા સ્પર્શની
દિલને માણવી છે.
લઈને હાથ તારો મારા હાથમાં
સંવેદના પ્રેમની અનુભવવી છે
જીવનના છેલ્લા શ્વાસ સુધી
કડી વિશ્વાસની જોડવી છે.