બાના અવસાન પછી ડોશી કાવ્યો લખ્યાં. બાના સ્વભાવને પકડતાં. એમાંનું એક:
------
બાએ લીંપી દીધું છે આંગણું ગૌમૂત્રથી.
મૂકી દીધો છે તુલસીનો છોડ વચોવચ.
અદ્દલ એના થડ કને
કર્યો છે દીવો
ચોખ્ખા ઘીનો.
હમણાં જ પૂંજિયો પહલાદિયો રમણિયો ધૂળિયો મૂળિયો
પધારશે પ્રેમ પદારથ લઈને
સૌ પહેલાં એ ગણપતિનું સમરણ કરશે.
અને એ સાથે જ આંગણે
પધારશે દેવ દુંદાળા.
પછી શેઠ શગાળશા
ને શૃંગાવતી રાણી આવશે
સાધુના કહેવાથી
બેઉ કેલૈયાકુંવરને ખાંડશે.
લોહી વહે એમ
બધાંની આંખમાંથી
આંસુ વહેશે.
એમ કરતાં પાછલી ખટ ઘડી રહેશે.
કેલૈયો પાછો મા મા કરતો વળગી પડશે શૃંગાવતીને.
આ વખતે ભક્તોની આંખોમાં આંસુ
ગંગાજમનાની જેમ ઊભરાશે.
પછી બા સુખડી ધરશે
પહેલાં તુલસીને
પછી ઘીના દીવાને
પછી એ સુખડી વહેંચશે
પહેલાં પશુઓને
પછી મનુષ્યોને
પછી ઋષિઓને
પછી રાક્ષસોને
પછી દેવોને
પછી જો થોડીક વધશે તો
બ્રહ્મા વિષ્ણુ અને મહેશને.
કદાચ એમણે આ વખતે પણ ખાલી હાથે જવું પડે.
(બાબુ સુથાર)