કૃષ્ણ દવે ની અદ્દભુત રચના
???????
આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..
સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..
પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!
ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.!
નાટા, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!
ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..