આજે મારે કૈંક નવું કરવું છે...
સમજાતું નથી કે શું કરવું છે???
બારી માંથી દેખાતા આકાશના ટુકડાને જીવવો છે,
મારી અંદર દબાઈ ગયેલા બાળકને બહાર લાવવો છે,
સમડીની પાંખ પર બેસીને વર્લ્ડ ટુર કરવી છે..
તો વળી સુગરીનાં માળામાં ડોકિયું મારે કરવું છે,
ઘુવડની સાથે મારે નિશાચર પણ બનવું છે,
બસ આજે કૈંક નવું બનવું છે...
ફૂલોની સુગંધ ને બાટલીમાં કેદ કરવી છે,
તો વળી પતંગિયાઓનું મેઘધનુષ મારે જોવું છે,
પહાડોની વચ્ચે માછલીઓ સાથે દોડપકડ રમવી છે,
બસ આજે કૈંક નવું રમવું છે...
ગગનચુંબી વાદળોની ઈમારતો વચ્ચે ઘર બનાવવું છે,
તો વળી કડકડતી વીજળીઓ સાથે સેલ્ફી લેવી છે,
વરસાદના ટીપાંઓની રંગોળી મારે બનાવવી છે,
બસ આજે કૈંક નવું બનાવવું છે...
કોયલનો કંઠ કાગને ભેટ આપવો છે ને,
બદલામાં મોરનું રૂપ કોયલને ચડાવવું છે,
ચાંદની રાતમાં તમરાઓનું સંગીત મારે સાંભળવું છે,
બસ આજે કૈંક નવું સાંભળવું છે...
ખિસકોલીઓ સાથે કૂદાકૂદ મારે કરવી છે ,
તો વળી જિરાફની ડોક સાથે મારે ઝુલવું છે,
દોડની હરીફાઈમાં મારે ચિત્તાને હરાવવો છે..
બસ આજે કૈંક જીતી લેવું છે...
હાથીનાં કાનમાં તારલા સાથે સંતાકૂકડી રમવી છે ,
તો વળી વિફરેલી વાઘણ સાથે દોસ્તી મારે કરવી છે,
સાવજની પીઠ પર સવાર થઈને જંગલનાં
રાજા એક દિવસ મારે બનવું છે,
બસ આજે કૈંક નવું બનવું છે...