વેદનાનો ઝાઝો તું અભ્યાસ ના કર ,
ઘાવ ને તું ખોતરીને યાદ ના કર.
જિંદગીની રાહ નિત અણજાણ સૌની,
યોજનામાં જિંદગી બરબાદ ના કર.
ઝાડની જગ્યાએ ઊભા કર્યા છે ઘર,
તો હવે છાંયાની તું ફરિયાદ ના કર.
તૂટી ગઈ ડાળી તે તૂટી , તે ના જોડાય ,
જોડવામાં જિંદગી બેકાર ના કર.
જે ઘડી ગઈ તે હવે પાછી ન આવે,
મનની સાથે તું હવે તકરાર ના કર.
વેદનાને તું લખી ,ભૂંસી ,ફરી ઘાવ
ને લખી તુજ જિંદગીને બાદ ના કર.
સાથ માટેના સવાલો થાય તો શું?
જ્યાં નથી જગ્યા ત્યાં તું વહેવાર ના કર.
જળ મુજબ જે ગોઠવે નિજને બધે, તો
એવાં સાથે તું ખુલ્લું આકાશ ના કર.
જે સદા સ્વાર્થને લઇ આવે ,તો ઓળખ ,
ઓળખીને જાત ત્યાં સંવાદ ના કર.
જિંદગીના કડવા અનુભવ બાદ બોલો,
કે આ જીવનમાં નયનને ચાર ના કર.
- જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'