કારણ કહે...
પુષ્પના પમરાટનું કારણ કહે,
મુગ્ધ આ મલકાટનું કારણ કહે.
મોર નાચે તાનમાં મસ્તાન થૈ,
આવડા આનંદનું કારણ કહે.
તાર ઝીણા રણઝણે છે વાદ્યના,
સૂર 'ને સંગીતનું કારણ કહે.
સોમ, મંગળ, સૂર્ય, તારાનું નહીં
અવનિ 'ને આકાશનું કારણ કહે.
હોય જો કારણ બધાનું, તો મને
આપણા સંબંધનું કારણ કહે!
૦૦૦
અંકન ...
એ જરા મલકાય એવી વાત કર,
પ્રેમથી છલકાય એવી વાત કર.
આ નજર એકીટશે ઘેરી વળી,
એ હવે પલકાય એવી વાત કર.
સાવ ઠાલાં સૌ પ્રભાવિત થાય છે,
આંખ બે અંજાય એવી વાત કર.
અવનવા આકાર પથ્થરને મળે,
આરઝૂ ટંકાય એવી વાત કર!
ક્યાં સુધી આનંદ ચર્ચાસ્પદ બને?
વેદના અંકાય એવી વાત કર.
૦૦૦