પન્નાલાલ પટેલ ( 7 મે 1912 - 6 એપ્રિલ 1989 )
" વાહ રે માનવી, તારું હૈયું ! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા ! "
*****
" માથાની તુંબડીમાં લાખ લાખ મોતી,
' લ્યા હૈયાની કોથળી ખાલી,
અભાગિયા ! હૈયાની ચેંથરી ઠાલી ! "
*****
' ભૂલ્યા ભૂલાશે મહિયર માળખાં,
ભૂલી જાશું મોસાળે વાટ;
ૠણ ભૂલીશું ધરતી માતાનાં,
ભૂલી જશું પોતાની જાત;
(વળી) ભૂલી જવાશે કો' અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
(પણ) નહીં રે ભુલાય એક આટલું,
કોક દન કરી'તી પ્રીત. '
----- પન્નાલાલ પટેલ
" સમગ્ર જીવન કેવું લાગ્યું? " ટૂંકો જવાબ આપું તો : " જીવવા જેવું ".હકીકતમાં તો મેં બચપણથી લઇને જીવનને એના અનેકાનેક સંદર્ભોમાં ભરપેટ રીતે માણ્યું છે ને સહયું પણ છે ! એક તરફ જીવને મારો કસ કાઢ્યો છે તો બીજી તરફ મેં પણ જીવનનો કસ તારવવામાં કશી કસર રાખી નથી. માનવીના જીવન ઉપર યુગોથી લખાતું આવ્યું છે....... મારી પોતાની વાત કરીએ તો પણ જીવ મળવાથી માંડીને તે ભવાઇઓ , વલોણાં ને આંધીઓમાંથી પસાર થતાં યમપુરીનાં દ્વાર પણ આપણે ખખડાવી આવ્યા છીએ. ટૂંકમાં મારું આ સમગ્ર જીવન જ તિલસ્માતિ દુનિયા જેવું નથી લાગતું ?.....
જીવનની આ નવલકથાઓમાં મારા જીવનના કશા આદર્શો નથી અને વળી ભાવના કે સમાજલક્ષી કોઇ ખાસ વલણો કે વિચારો પણ એમાં ભાગ્યે જ હશે. ને છતાંય હું ' ના, હું તો ગાઇશ જ ' વાળી વાતની જેમ ' લખીશ જ.'
મને કશી અપેક્ષા નથી. પહેલાં પણ ન હતી. હકીકત તો એ બની છે કે, જીવન જાણે મને જીવી રહ્યું છે. મને કદી મહત્વાકાંક્ષા પહેલાં પણ ન હતી ને આજે પણ નથી.હું અક્ષરદેહ દ્વારા કે કીર્તિ દ્વારાયે ભવિષ્યમાં જીવવાની કે એવી તેવી કશી જ એષણા સેવતો નથી....... મને મારા આ જ જીવનમાં શું નથી મળ્યું કે ભાવિની કોઈ અપેક્ષા રહે !
--- પન્નાલાલ પટેલ