#MoralStories
અસત્યમેવ જયતે
અનિકેત બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, રમણલાલ જેમના ઘરે અનિકેત પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો, લોકમુખે ઘણી વખત અનિકેતે સાંભળેલું કે રમણલાલ સાવ ઓછા બોલા છે જ્યારે પણ બોલે છે ત્યારે એમનો એક એક શબ્દ ધારદાર હોય છે સીધો હ્રદયમાં ઉતરી જાય છે, આજે કોલેજમાં રજા હતી અનિકેત ને થયું કે લાવ આજે ચકાસી જોઈએ કે રમણલાલ કેટલું ઓછું ને કેટલું ધારદાર બોલે છે,
રમણલાલ જ્યાં છાપું વાંચતા હતા ત્યાં આવી ને ઉભો રહ્યો, થોડા ખચકાતા અવાજે અનિકેત બોલ્યો “નમસ્તે અંકલ”
રમણલાલે છાપામાંથી નજર ઉંચી કરી અનિકેત સામે જોયું, પછી ત્યાં ગોઠવેલ ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો ને પાછા છાપામાં પરોવાઈ ગયા
એક સવાલ પૂછું અંકલ “તમને શું લાગે છે ? આ વખતે ઇલેકશનમાં કોણ જીતશે ?” એકી શ્વાસે અનિકેત બોલી ગયો
રમણલાલે છાપામાંથી નજર ઉંચી કરીને અનિકેત સામે જોયું, પછી છાપાને વાળીને બાજુની ટીપોઈ પર મૂકી, જમણા હાથેથી ચશ્માં કાઢ્યા પછી સાવ ફિક્કું હસ્યા ને બોલ્યા “બેટા એમાં કોઈ બે મત નથી કી આ વખતે પણ જીત તો રાજનીતિની જ થવાની છે, વોટ આપવા છતાંય હર હંમેશની જેમ જનતાની તો હાર જ થવાની છે.”
કઈ સમજમાં ના આવ્યું અંકલ
જો બેટા, વર્ષોથી ચાલી આવતી એક પરંપરા એટલે વ્યવસ્થીત પણે ગોઠવાયેલી એક અવ્યવસ્થા, જે પોતે સત્ય હોવાનો દાવો કરે છે પણ એની અંદર બધું જ માત્ર અને માત્ર અસત્ય જ ચાલે છે, સત્યથી રચાયેલ એક એવી વ્યવસ્થા જેમાં સત્યને કોઈ સ્થાન નથી
કઈ વ્યવસ્થા? અચરજ ભાવે અનિકેતે પૂછ્યું
રમણલાલે અનિકેત સામે જોયું, ચશ્માં પહેર્યા, ટીપોઈ પરથી છાપું લીધું, ફિક્કું હસ્યા, ને બોલ્યા “રાજનીતિ-અસત્યમેવ જયતે” ને પછી છાપું વાંચવામાં પરોવાઈ ગયા