#MoralStories
પોતાનાં પ્રત્યેની પ્રામાણિકતા
સંદીપ પોતાની દોસ્ત હીનાને મળવા એક કેફેમાં આવ્યો હતો.સંદીપ આજે ફરી નિરાશ થયો હતો.એનું કારણ હતું તેની નોકરી અને સહકર્મચારીઓ.સંદીપ જ્યાં જોબ કરતો ત્યાં એ કુનેહ અને ઉત્સાહપૂર્વક પોતાનાં કામને ન્યાય આપતો.તેનું આ વલણ જોઈ બીજા સહકર્મચારીઓ તેની હસી ઉડાવતાં અને સંદીપનું અપમાન કરતા.
ઘણીવાર આવું અપમાન થયાં પછી પોતે પણ બીજા કર્મચારીઓ જેમ કામચોર બની જવું એવો વિચાર સંદીપને આવેલો પણ તેની અંદર રહેલા વ્યક્તિએ તેને આવું કરતાં અટકાવ્યો એટલે અત્યારે એ પોતાની બાળપણની દોસ્ત હિના પાસે સલાહ લેવા આવ્યો હતો.
‘શું થયું સંદીપ?’હીનાએ પૂછ્યું.સંદીપે પોતાની આપવીતી સંભળાવી અને કહ્યું, “હું કોઈપણ કામ કરૂં બધા મારા પર હસી મને ગુસ્સો અપાવે છે”
સંદીપની વાત સાંભળી હિના હસવા લાગી,
‘તું કોના માટે જીવે છે સંદીપ,પોતાનાં માટે કે સહકર્મચારીઓ માટે?’
‘પોતાનાં માટે જ હોયને યાર’સંદીપે કહ્યું.
‘તો પછી તું કેવો રહીશ એ તું નક્કી કરીશ કે સાથે રહેતાં કર્મચારીઓ?તું પોતાનાં પ્રત્યે પ્રામાણિક રહીશ કે લોકો પ્રત્યે?’હિના સંદીપને સમજાવતી હતી.સંદીપ ચૂપચાપ સાંભળી રહ્યો હતો.
‘સંદીપ તું પોતાની જાતને શ્રેષ્ઠ સમજ.લોકો તો પોતાનાં મતલબ માટે કંઈપણ બોલશે.તું શું છે,તારી તાકાત શું છે એ માત્ર તને ખબર છે એટલે લોકો શું કહે છે એ ભૂલી જા.બોલ હવે તે શું નિર્ણય લીધો?’
‘હું પોતાની જાતને પડકાર આપીશ.લોકો કંઈ પણ બોલે હું પોતાનાં પ્રત્યેની પ્રામાણિકતા ક્યારેય નહીં ગુમાવું.બંનેએ કૉફી પુરી કરી પોતાનાં ઘર તરફ નીકળી ગયા.
સાર :- હંમેશા પોતાના પ્રત્યે પ્રામાણિક બનો.