#MoralStories
નિર્દયી પિતા
મનસુખભાઈના ઘરે થોડા દિવસ પછી પ્રસંગ હતો.તેના મોટા દીકરાની વહુના શ્રીમંતની તૈયારીમાં પૂરો પરિવાર વ્યસ્ત હતો ત્યારે બારમાં ધોરણમાં ભણતો મનસુખભાઈનો નાનો દીકરો ધવલ પોતાની ધૂનમાં જવાબદારીઓ સમજ્યા વિના પોતાના દોસ્તો સાથે આનંદવિલાસ ભોગવી રહ્યો હતો.મનસુખભાઈ અને ધવલને 36નો આંકડો હતો.મનસુખભાઈ જયારે-ત્યારે ધવલને ટોકતા રહેતા.ધવલ ભણવામાં હોશિયાર હતો એટલે હંમેશા મનસુખભાઈએ મારેલા ટોન્ટના જવાબ ઊચું પરિણામ લાવીને આપતો.
દિવસ જતા એ દિવસ પણ આવી ગયો.આવતી કાલે મનસુખભાઈના ઘરે શ્રીમંત વિધિ હતી.બધા મહેમાનો આવી ગયા હતા.પડોશીઓ પણ મનસુખભાઈના ઘરે તૈયારીમાં લાગ્યા હતા.રાત્રે જમીને ધવલ પોતાની આદત મુજબ દોસ્તો સાથે બહાર નીકળી ગયો.
ધવલ જયારે મોડેથી ઘરે આવ્યો ત્યારે બધા જ મહેમાનો અને કુટુંબના વડાઓ વચ્ચે મનસુખભાઈએ ધવલને ખરીખોટી સંભળાવી.ધવલ પુરા પરિવાર સામે રડી પડ્યો ત્યાં સુધી તેના પાપાએ તેનું અપમાન કર્યું.અંતે ધવલ રડતો રડતો જ સુઈ ગયો.
આ ઘટના બની તેને છ મહિના વીતી ગયા.આજે બારમાં ધોરણનું પરિણામ આવ્યું,ધવલ 85% સાથે કેન્દ્રમાં પ્રથમ આવ્યો હતો.છ મહિના પહેલાની વાત યાદ અપાવતા ધવલે તેના પપ્પાને કહ્યું, “પાપા ત્યારે તમે કહેતા હતાને કે મારા ઘરે માણસે નહી રાક્ષસે જન્મ લીધો છે.જુઓ આજે આ રાક્ષસે શું કરી બતાવ્યું.”
મનસુખભાઈ ત્યારે તેને શાબાશી આપી અને ઘરમાં ચાલ્યા ગયા.થોડીવાર પછી ધવલના મમ્મી બહાર આવ્યા.
“મમ્મી જોયું,તે દિવસે પાપાએ મને રડાવ્યો હતો અને આજે એ નજર પણ નથી મેળવી શકતાં”
ધવલના માથા પર વહાલથી હાથ ફેરવતાં કહ્યું, “બેટા તું દુનિયા સામે રડી શકે છે,એ તારા પાપા છે.તું તો એ દિવસે રડતા રડતા સુઈ ગયો હતો પણ પછી એકાંતમાં તારા પાપા કેટલું રડ્યા હતા એ તને નથી ખબર”
મોરલ=પિતા કઠોર બને છે,પોતાના બાળકના ભવિષ્યને ઉજળું બનાવવા.