એક બારી પણ હતી
આપણી વચ્ચે ભીત હતી પણ એમાં એક બારી પણ હતી,
આપણે એ જોઈ ના શક્યા, એ ભૂલ આપણી સહિયારી હતી.
વેરાન રણની વચ્ચોવચ્ચ પણ ફૂલોની સુંદર વાડી હતી,
પણ આપણેતો એકબીજાના કાંટાઓ જોવાની ટેવ પાડી હતી.
આપણી બન્ને વચ્ચે ઘણો સમય ચાહત બહુ સારી હતી,
ફૂલો ભલે સુકાયા, તુલસીની તો એવી ને એવી ક્યારી હતી.
હું સામે ચાલીને તારી માફી માંગું એ માગણી તારી હતી,
તો તું મારા પગે પડે ને મને મનાવી લે એ જીદ મારી હતી.
પ્રેમ કર્યો પણ સમજ્યા નહિ કે એ એક જવાબદારી હતી.
જેના પર સુતા એ ફૂલોની નહિ પણ કાંટાની પથારી હતી.
ખોટી દલીલો કરીને આપણે આપણી તિરાડ વધારી હતી,
આપણી જીભ એ જીભ નહિ, પણ એક ધારદાર કટારી હતી.
કોઈનીય સાચી વાત આપણે ક્યાં કદી ગણકારી હતી?
એક સુંદર જીન્દગી રોળાઈ ગઈ જે આપણે સાથે મઠારી હતી.
મળ્યા ત્યારે તે મને અને મે તને કેવી ધારી હતી?
છુટા પડ્યા ત્યારે થયું કે આવી જુદાઈ ક્યારેય વિચારી હતી?
???????????????