? પિતા
કેમ સમજતા નથી તમે ને
કેમ પૂછો છો વારે વારે
બધું જાણીને શું કરવું છે ?
અંગત કૈં ના હોય અમારે ?
કેટલીવાર કહ્યું છે ,
તમને એમાં સમજ ના પડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે
ઉંમર થઇ છે તોય હજીયે
પંચાતો કાં સૂઝે ?
બે બે કપ તમે ચા ઠપકારો
તોય તરસ ના બૂઝે ?
કેટલીવાર કહ્યું છે
તમને આટલી ચા તો નડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.
સવાર પડતાં છાપું રોકી
બેસી રહો છો રોજ
ફેર પડે શું તમને , છાપું
બપોરે વાંચો તોય ?
કેટલી વાર કહ્યું છે
હાથ ન લૂછો છાપા વડે !
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.
યાદ રાખીને દવા ન લ્યો
પછી માંદા પડશો ત્યારે ?
કામકાજ પડતું મુકીને
દોડવું પડે અમારે !
કેટલી વાર કહ્યું છે
તમને ફેર કોઇ ના પડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે
મંદિર કેરે બાંકડે શોભો
શોભો નહીં બગીચે
માળા ફેરવો મૂર્તિ સામે
પત્તા તે કોઇ ટીચે ?
કેટલીવાર કહ્યું છે તમને
તોય કશું ના અડે ?
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે
આજે રસોઇમાં બનાવ્યું છે શું
એ જાણી શું કરશો
ચાવી પચાવી શકો નહીં તમે
પેટ ઝાલીને ફરશો
કેટલી વાર કહ્યું છે તમને
છોકરાં છો કે લડે ?
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.
હીંચકો ને પપ્પા બંનેની
હાલત એક જ જેવી
સતત ચાલતા તોયે ગતિ ના
જીંદગી આ તે કેવી !
તોયે કોઇને કહ્યું નહીં કદી
કડવા શબ્દો વડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.
???????