મારે જોઈએ છે શું એ તને કહું ?
થોડોક પ્રેમ...
પ્રેમને પ્રકટ કરતાં શબ્દો અને ચુંબનો...
હાથમાં હાથ...
કોઈનો સાથ...
થોડાંક આંસુ...
આછાં સ્મિત...
પોતે છે એની હોવાપણાની પ્રતિતિ થાય એવું કામ...
પોતાની સ્વિકૃતિ...
દિવસનો ઉજાસ...
રજનીની આકૃતિ...
સૂવા માટે પથારી...
અઢેલવા માટે ઓશિકું...
કોઈકની ધાબળા જેવી હૂંફ...
થોડાંક સપના...
ક્યાંક હુકમ કરી શકે એવી સત્તા...
મામૂલી મહત્તા...
બેન્ક બેલેન્સ...
રડવા માટે ખભો...
થોડાક આશ્વાસનના શબ્દો...
આ મારી તમન્ના હતી...
પણ તું તો સાવ મને અલગ જ સમજી...
તને તો એમ જ થયું હશે ને નાખો આ કુત્તાને પ્રેમ નામનો એક ટુકડો...
એ ભસતો બંધ થશે અને મારા પ્રેમની ભ્રમણામાં ને ભ્રમણામાં ફરિશ્તાની જેમ જીવી જશે...
પણ આજે ખબર પડી કે તું મને નહીં તારા ભૂતકાળને જ હજું પ્રેમ કરે છે...
એટલે જ આજથી હવે હું મારા આ તારા પ્રત્યેના પ્રેમના પડછાયાને રોકી રાખું છું જેથી કરી તારા પર એ ના પડે...
મેં એને મના કરી દિધી છે હવે હલવાની કે ચલવાની...
મારે એવો પરાણે કે ભીખમાં મળેલો પ્રેમ નથી જોઈતો...
મારે તો જોઈતો હતો હું અને મારી પ્રિયતમા સાથે હોય...
અમારા બંનેનો પડછાયો એક અને એકાગ્ર હોય...
કહે છે કે પ્રેમ તો નિરાકાર હોય છે,
એને પડછાયો હોતો નથી.
મારો પ્રેમ આજ પછી મારા જ પડછાયામાં કેદ રહેશે...
જેમ રાત્રે શયનખંડના દર્પણમાં પ્રતિબિંબમાં કેદ હોય છે એમ...
પડછાયો અને પ્રતિબિંબ મારા પ્રેમ પર ચોકી પહેરો નથી ભરતાં...
એ તો ગુંજે છે મારા સીમિત પ્રેમનું અસિમ ગીત...
એક બીજી વાત કહી દઉં...
મારે તમને સૌને ઓળખવા છે,
પણ જાણવા નથી...
જાણવું એટલે મુગ્ધતાનો અંત.
હું મને જાણું તોય ઘણું છે...
તને જાણીને મારે મારાથી અજાણ્યા થવું નથી...
સંબંધની એક હદ હોય છે,
અને મારે સંબંધ બાંધવો છે અનહદ સાથે.
આજનો ઉત્કટ પ્રેમ વાસી કે પ્રવાસી થઈ જાય એ પહેલાં મારે આ ક્ષણમાં જીવાય એટલું જીવી લેવું છે...
ક્ષણને ચિરંતન બનાવવાના મને કોઈ અભરખા નથી...
આખરે આ કાળની ગઠરીયા ખોલો તો નીકળશે શું ?
ઘડીયાળના કાંટેથી ખરી ગયેલી તરડાયેલી ક્ષણો...
મારે ક્ષણોની ગઠરીયાં પણ બાંધવી નથી,
પછી ખોલવાનો પ્રશ્ન જ ન રહે.
પણ હા,
એક દિવસ એવો ઉગશે કે જ્યારે હું આથમી ગયો હોઈશ...
ત્યારે તું મને મારા શબ્દોમાં શોધવા મથીશ,
પણ હું તો કયાંક પહોંચી ગયો હોઈશ અશબ્દના પ્રદેશમાં.
ક્યાં સુધી તું રમે રાખીશ મારા માટીનાં રમકડાં જેવાં શબ્દોથી ?
હું તો મારી રમત-મમત બધું જ અધુરું મૂકીને ચાલી નીકળીશ...
કોઈની રમત ક્યારેય પુરી થતી નથી હોતી...
બધાં જ અધુરી બાજી મુકીને ચાલી નીકળે છે...
તારાં હાથમાં તો મારા જેવાં અઢળક પત્તા છે...
એમાંથી મારા જેવું એકાદ પત્તુ ન હોય તો શું થયું ?
પણ તારી રમત ચાલું જ રહેવી જોઈએ.
એક દિવસ એવો ઉગશે કે જ્યારે તારી રમત ચાલું હશે,
પણ રમનાર તરીકે હું નહીં હોઉં.
મારી એક જ વિનંતી છે કે આંસુને કદી હુકમનું પત્તું નહીં બનાવતી.....