લાગણી.....
ના એને સ્પર્શી શકાય અને ના એને નીરખી શકાય,
એ ભરતી તો માત્ર અંતરમન અને દિલ થી શકાય માણી
એ ભીતર થી ફૂટતી સ્નેહ ની સરવાણી નું નામ જ લાગણી
ક્યારેક હક થી ઝગડવાનું અને ક્યારેક વહાલ થી વરસવાનું,
ક્યારેક છલકવાનું બની નયનો માં હરખ ના ધોધમાર પાણી
એ ભીતર થી ફૂટતી સ્નેહ ની સરવાણી નું નામ જ લાગણી
જ્યાં બાજી હારી ને જીતી જવાનું, જ્યાં દિલ જીતી ને હારી જવાનું,
જ્યાં સામા ની હાર માં હાર અને જીત માં આપણી જીત સમાણી
એ ભીતર થી ફૂટતી સ્નેહ ની સરવાણી નું નામ જ લાગણી
નથી એ પ્રતિષ્ઠા ની મોહતાજ કે નથી પાંગરતી વૈભવ ને કાજ,
બસ ઉગી નીકળે જો કરો પ્રેમ અને વિશ્વાસ કેરી વાવણી
એ ભીતર થી ફૂટતી સ્નેહ ની સરવાણી નું નામ જ લાગણી
જો રખોપા કરો એના હૃદય થી અને જતન કરો એના દિલ થી
અને સીંચ્યાં કરો હંમેશા એને સંભાળ અને સમજણ ના પાણી
તો રચાવશે આનંદ , ઉમંગ અને ઉલ્લાસ ની અનોખી ત્રિવેણી
એ ભીતર થી ફૂટતી સ્નેહ ની સરવાણી જેનું નામ છે લાગણી