તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે…
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે…
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે…
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે…
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે…
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે…