નથી કૈં કુશળક્ષેમ તોય મને માનવ હોવાનો વહેમ.
છોને વર્તુ ફાવે તેમ તોય મને માનવ હોવાનો વહેમ.
પાંચ ફૂટની પ્રતિમા સરખોને આકૃતિમાં છું માણસ,
નથી કૈં સો ટચ હેમ તોય મને માનવ હોવાનો વહેમ
પ્રકૃતિ મારી નથી સામ્ય ધરાવતી માનવ સાથે હજુ,
ના પૂછશો કે કેમ ? તોય મને માનવ હોવાનો વહેમ.
સૌથી શ્રેષ્ઠ સર્જન ઇશનું બળ બુદ્ધિનો સમન્વય,
નથી ઉરમાં રહેમ તોય મને માનવ હોવાનો વહેમ.
માનવતા મેલીને પ્રાધાન્ય બસ પૈસાને હું આપુંને,
ન ઇમાન હેમખેમ તોય મને માનવ હોવાનો વહેમ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.