દોર મારા પતંગ ની...
ચાહે તો તું પ્રસરાવ આ સફર માં સરળ સમીર કેરો સાથ,
ચાહે તો તું ફેલાવ આ જીવન માં વંટોળ તણો ઝંઝાવાત
હે નાથ, મારા જીવન કેરા પતંગ ની દોરી મેં સોંપી તમારે હાથ
ક્યારેક તું છોડે ઢીલ અને કરે મારો પતંગ ગગનચુંબી શિખરો આત્મસાત,
ક્યારેક તું ખેંચે દોરી ને ખાય મારો પતંગ પ્રચંડ વેગે પ્રબળ પછડાટ
હે નાથ, મારા જીવન કેરા પતંગ ની દોરી મેં સોંપી તમારે હાથ
કરી શકું હું કામ, ક્રોધ, મોહ અને લોભ રૂપી પતંગો ને મહાત,
ઉડી શકું હું લાગણી, પ્રેમ અને સમજણ ના પતંગો ની સાથોસાથ
હે નાથ, મારા જીવન કેરા પતંગ ની દોરી મેં સોંપી તમારે હાથ
બની શકું હું ઢાલ અને સમજી શકું કોક ના હૈયા કેરો આર્તનાદ,
બની શકું હું તુક્કલ અને અજવાળી શકું કોક નું અંતરમન આબાદ
હે નાથ, મારા જીવન કેરા પતંગ ની દોરી મેં સોંપી તમારે હાથ
તું ઉડાડીશ એટલું ઉડીશું, તું ચગાવીશ એટલું ચગીશું, કર્યા વગર ફરિયાદ,
કૃપા તારી વરસાવજે સદા અને ચાલજે અમારી સાથે દરેક પગલે સાક્ષાત
હે નાથ, મારા જીવન કેરા પતંગ ની દોરી મેં સોંપી તમારે હાથ