કહ્યું તુ કે જશો નહી સ્મરણોની ગલી માંથી,
ધધકતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી.
તમે દિધેલ આસું મે શાહી ઠાઠથી રાખ્યા,
ન ઉતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.
હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે,
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળી માંથી.
ચડ્યો હું ઝાડ પર દિકરીના કતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલી માંથી.
ફકત વહેંચાય છે બે ચાર જણ મા ફૂલનાં ઢગલાં,
ને પડે છે ભાગ આખા દેશનો એક પાંખડી માંથી.
એમ હળસેલાયો છું હું આજ એના દ્વારથી,
કે મારીને ફેકી દીધી હોય લાશ ચાલુ કારથી.
પાંસળી નીચે હૃદય વચ મુખ્ય ભાગે દુઃખે છે,
શું કહ્યું સમજાયું નહીં પાછો કહું વિસ્તારથી.
જિંદગી ઉપકાર છે ઈશ્વરનો એ માન્યું પણ,
ખૂબ કંટાળી ગયો છું એના આ ઉપકારથી.
આવીને મારામાં હરિયાળી ના કરશો ક્યાંય પ્લીઝ,
માંડ વર્ષો બાદ ટેવાયો છું આ ભેંકાર થી.
કાવ્યનો ચેપી મને છે રોગ લાગ્યો એટલે,
હોય એલર્જી તો આઘા રહેજો આ બીમાર થી.
- અનિલ ચાવડા